(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
બસપા પ્રમુખ માયાવતીએ સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈમાં મચેલા ઘમાસાણ અંગે ચિંતા વ્યક્ત કરી સીબીઆઈની વિશ્વસનિયતા જાળવી રાખવા હાલના વિવાદોને વિસ્તારથી ધ્યાન પર લેવા સુપ્રીમકોર્ટને વિનંતી કરી છે.
માયાવતીએ કહ્યું કે સીબીઆઈમાં વિભિન્ન પ્રકારના હસ્તક્ષેપોના કારણે પહેલાં પણ ઘણું ખોટું થયું છે. હવે જે ઉત્પાત મચ્યો છે તે દેશ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. જેથી જનતામાં અનેક પ્રકારની ભ્રાંતિઓ પેદા થઈ રહી છે. તેમણે કહ્યું કે વિવાદ ઊભો થવાથી લોકોનો સીબીઆઈમાંથી વિશ્વાસ ઉઠવા લાગ્યો છે. કેન્દ્રએ વિવાદ વચ્ચે સીબીઆઈના અધિકારીઓને લાંબી રજા પર ઉતારી દીધા. માયાવતીએ કહ્યું કે હવે મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો છે. જે સારી વાત છે. જેથી સુપ્રીમકોર્ટને સીવીસીની ભૂમિકા અંગે પણ પુનઃ ગંભીરતાથી વિચારવાનો મોકો મળશે. વર્તમાન સમયમાં તે બહુ જરૂરી છે. સીબીઆઈ પર લોકોનો ભરસો પુનઃ સ્થાપિત કરવો જરૂરી છે. તે માટે સુપ્રીમકોર્ટ વિસ્તારપૂર્વક વર્તમાન સંકટ પર વિચાર કરે.
બસપા પ્રમુખે કહ્યું કે કેન્દ્ર સરકારની દ્વેષપૂર્ણ જાતિવાદી અને સાંપ્રદાયિકતા પર આધારિત જાતિઓ અને કામકાજોને સીબીઆઈ સહિત દરેક બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓને સંકટમાં મૂક્યું છે.