(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
વિરોધ પક્ષોના સામાન્ય દુશ્મન – ભાજપ સામે સંયુક્ત વિપક્ષને ફરી ભેગા કરવાના એક પ્રયાસરૂપે ૧૯મી જાન્યુઆરીએ કોલકાતામાં પોતાની મેગા રેલીમાં ભાગ લેવા માટે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના વડાં અને પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ટોચના બધા રાજકારણીઓને આમંત્રણ આપ્યું છે. મમતા બેનરજીને એવો વિશ્વાસ છે કે સંયુક્ત વિપક્ષની રેલી લોકસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ માટે મૃત્યુઘંટ વગાડશે. મમતા બેનરજીની રેલીમાં ૨૦થી વિરોધ પક્ષોના નેતાઓ ભાગ લેવાના હોવાની ધારણા છે પરંતુ બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં સુપ્રીમો માયાવતીએ મમતાના આમંત્રણની અવગણના કરવાનું નક્કી કર્યું છે. પશ્ચિમ બંગાળના રાજકારણમાં માયાવતીનું કોઇ મહત્વ નથી અને કદાચ તેના કારણે તેઓ રેલીમાં નહીં જવાનું નક્કી કર્યું છે. માયાવતી પોતાની રાજકીય આકાંક્ષાઓ માટે જાણીતા છે. તેઓ આકર્ષણનું કેન્દ્ર નહીં હોય એવી ઇવેન્ટમાં માયાવતી જવાનું ટાળે છે. તેમનો હાથ ઉંચો ન હોય એવી રેલીમાં પણ તેઓ જતા નથી. એટલું જ નહીં, માયાવતી ‘એક મહિલાના શો’ માં માને છે. માયાવતીનું મમતા બેનરજીની રેલીમાં નહીં જવાનું અન્ય કારણ કોંગ્રેસ પણ હોઇ શકે છે.