(એજન્સી) લખનૌ, તા.રર
ખૂબ લાંબી રાહ જોયા બાદ અને અનેકવાર હારનો સામનો કર્યા બાદ હવે અંતમાં માયાવતીને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. માર્ચમાં દલિત નેતાની બહુજન સમાજ પાર્ટીએ પોતાની એક સમયની વિરોધી પાર્ટી સપાના નેતાઓનું સમર્થન કરીને ભાજપને તેના જ ગઢ ઉત્તરપ્રદેશમાં માત આપી દીધી. બુધવારે માયાવતી જનતા દળ (એસ)ના નેતા એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા જઈ રહ્યા છે. શનિવારે પોતાની બહુમતી સાબિત ના કરી શકવાને પગલે બીજેપી નેતા બી.એસ.યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું. કુમાર સ્વામીના વિજયમાં માયાવતીએ નાનકડો ભાગ ભજવ્યો હતો. બસપાએ જેડી(એસ) અને રાજ્યના પ્રમુખ એન.મહેશ સાથે ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યું હતું. એન.મહેશે કોલેગલની સંયુક્ત બેઠક પર જીત મેળવી હતી પરંતુ આટલેથી માયાવતીએ વિરામ લીધો નહીં. તેમણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. તેમણે ગત થોડા દિવસો દિલ્હીમાં વિતાવ્યા અને પોતાની વ્યુરચના તૈયાર કરી. તેઓ આગળ પણ ભાજપને ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે. તેમણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં પક્ષના વિધાનસભાના ઉમેદવારોના નામ નક્કી કરવા અને તે અંગેની વ્યુહરચના ઘડવા માટે કામ કર્યું. આ ત્રણેય રાજ્યોમાં હાલ તો ભાજપનું શાસન છે. તે આ રાજ્યોના બસપા નેતાઓ સાથે મળીને મતદાતાઓના પ્રશ્નો વિશે જાણી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે આ ત્રણ રાજ્યોમાં માયાવતી સાથે ગઠબંધન કરવા માટે સંપર્ક સાધ્યો હતો. પરંતુ હાલ તેમણે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.