અમદાવાદ,તા. ૬
પુત્રને એમબીબીએસમાં એડમીશન અપાવવાની લાલચ આપી પિતા પાસેથી રૂ.છ લાખથી વધુની માતબર રકમ લઇ છેતરપીંડી કરનાર વિશાલ અગ્રવાલ નામના ઠગ વિરૂધ્ધ શહેરના આનંદનગર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. આનંદનગર પોલીસે આ ફરિયાદના આધારે આરોપી ઠગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા ખાતે તિરૂપતિ ટાઉનશીપ પાછળ પ્રાર્થના વિહાર ખાતે રહેતાં રોનકભાઇ કાશીરામ પટેલ અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આનંદનગર પેટ્રોલપંપ સામે સન્માન-૨ ખાતે ઓફિસ ધરાવતાં વિશાલ અગ્રવાલ નામના શખ્સના સંપર્કમાં આવ્યા હતા.રોનકભાઇ પટેલે તેમના પુત્ર તીર્થને એમબીબીએસમાં એડમીશનની વાત કરતાં આરોપી ઠગ વિશાલ અગ્રવાલે તેમના પુત્રને એમબીબીએસમાં એડમીશન કરાવી દેવાના મોટા બણગા ફુંકયા હતા. આરોપી ઠગ વિશાલ અગ્રવાલે રોનકભાઇ પટેલને પોતાની વાતોમાં ભોળવી તેમની પાસેથી તા.૧૭-૮-૧૭થી તા.૨૪-૮-૧૭ દરમ્યાન છ લાખથી વધુની રકમ પડાવી હતી અને તેમના પુત્ર તીર્થનું એમબીબીએસમાં એડમીશન થઇ જશે તેવો ભરોસો આપ્યો હતો. પરંતુ ના તો રોનકભાઇના પુત્રનું એડમીશન એમબીબીએસમાં થયું કે ના તો ઠગ વિશાલ અગ્રવાલે તેમના પૈસા પાછા આપ્યા. આરોપી ઠગ વિશાલ અગ્રવાલની કરતૂતનો ખ્યાલ આવી જતાં આખરે રોનક પટેલે તેની વિરૂધ્ધ શહેરના આનંદનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે આરોપી ઠગ વિશાલ અગ્રવાલની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.