(એજન્સી) જયપુર, તા.ર૧
એક કચરો વીણનારના પુત્ર આશારામ ચૌધરીને જોધપુરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં એમબીબીએસ માટે પ્રવેશ મેળવ્યો છે. જોધપુર એઈમ્સમાં પ્રવેશ અંગે આશારામે જણાવ્યું કે, જ્યારે તે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગામના એક ડોક્ટરે તેમને ડોક્ટર બનવા પ્રેરિત કર્યા હતા. આ અંગે આશારામે માતાપિતાનો અને પોતાની શાળા નવોદય વિદ્યાલય તેમજ નાણાકીય સહાય પૂરી પાડનાર દક્ષિણા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. આશારામના ૧રમું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ તેણે જોધપુરમાં એઈમ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે આશારામના આગળના અભ્યાસ માટે એમની પાસે પૂરતા પ્રમાણમાં નાણાંની વ્યવસ્થા કે કોઈની પાસે મદદની આશા પણ નહોતી. અગાઉ તેમને વધારાના જિલ્લા ન્યાયાધીશ સહિત અમુક લોકોએ મદદ કરી હતી. આશારામના પાડોશીઓએ તેમના અભ્યાસ પ્રત્યેના સમર્પણ અંગે વાત કરતા કહ્યું કે, પ્રકાશ ન હોવા છતાં તે અભ્યાસ કરતો હતો. આશારામે અથાગ પરિશ્રમ કર્યો છે અને એઈમ્સમાં પ્રવેશ મેળવી લીધો જે એમના ગામ માટે ગર્વની વાત છે. તેમણે જણાવ્યું કે, આશારામ પિતાની નબળી આર્થિક સ્થિતિ અંગે જાણતો હતો અને તેણે ખૂબ જ મહેનત કરીને ઘણા લોકો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશારામે સાબિત કર્યું કે, ‘મન હોય તો માળવે જવાય.’