(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૮
યુવાનોની જિંદગીને બરબાદ કરતાં રૂા.દોઢ કરોડના એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીને દબોચી લીધા હતા. બજારમાં પત્રકાર બનીને ફરતા ડ્રગ્સ માફિયાઓએ મુંબઈથી ટ્રાવેલ્સ મારફતે એમ.ડી ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીને ઝડપી પાડી રાજ્યવ્યાપી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી ભૂતકાળમાં ગાંજાનો ધંધો કરતાં શખ્સો પર મોટા ત્રણ કેસો કર્યા હતા. ત્યારે ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા લોકોની ખાનગી બાતમી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાન્ચે અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ લાવીને સપ્લાય કરતાં મુખ્ય સપ્લાયરોની યાદી તૈયાર કરી હતી ત્યારે બે મહિનાથી આ યાદી મુજબ ક્રાઈમ બ્રાન્ચના એસીપી બી.વી.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.જી.ચૌધરીની ટીમે વોચ ગોઠવી શહેરના એસજી હાઈવે ખાતે આવેલી નીતા ટ્રાવેલ્સના પીકઅપ બસ સ્ટેન્ડ પાસેથી આરોપી મઝહરહુસેન ગુલામહુસેન તેજાબવાલા (રહે.ઢાલગડવાડ, ખમાસા) તથા ઈમ્તિયાઝ બનુભાઈ શેખ (રહે.બુખારા મહોલ્લા, ખમાસા)ને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી અંદાજે રૂા.૧.પ કરોડની કિંમતનું આશરે ૧પ૦૦ ગ્રામ હાઈ ક્વોલિટી પ્યોર મેથા એમફેટામાઈન (એમડી)ના જથ્થો પકડી પાડયો હતો તેમજ તેમના ઘરેથી તપાસ દરમિયાન એક પિસ્તોલ, ૩ જીવતા કારતૂસ તથા રૂા.પ૪ લાખની રોકડ કબજે કરી હતી. આરોપી મઝહરહુસેન અને ઈમ્તિયાઝની પૂછપરછમાં થયેલા ખુલાસામાં તેઓ ઈમરાનઅહેમદ અજમેરી અને શહેઝાદ મઝહરહુસેન તેજાબવાલા સાથે મળીને મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો રેલવે કે ટ્રાવેલ્સ મારફતે મંગાવતા હતા. ત્યારબાદ પોતાના મળતિયાઓ સાથે મળીને ડ્રગ્સની નાની-નાની પડીકીઓ બનાવી અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સપ્લાય કરતાં હતા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં જેમના નામ મળ્યા હતા તે આરોપી શહેઝાદ તેજાબવાલા અને ઈમરાન શેખની પણ ધરપકડ કરી લીધી હતી. તપાસ દરમિયાન આરોપીઓ મઝહરહુસેન, શહેઝાદ અને ઈમરાનના નામે પત્રકારના પ્રેસ કાર્ડ પણ મળી આવ્યા હતા. આ ગેંગમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, આરોપીઓની પૂછપરછમાં તેઓ મિઠાઈના ડબ્બાઓની વચ્ચે ડ્રગ્સનો ડબ્બો સંતાડીને મુંબઈથી ટ્રાવેલ્સમાં અમદાવાદ લાવ્યા હતા. છેલ્લા દોઢ વર્ષમાં તેઓ ર૦થી રપ વાર આવી રીતે ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લાવીને વેચતા હતા તેમજ નવરાત્રી સહિતના તહેવારો આવતા હોવાથી આરોપીઓ પહેલીવાર આટલા મોટા જથ્થામાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા. એટલે એમ.ડી ડ્રગ્સના આ રેકેટમાં કોણ કોણ સંડોવાયેલું છે સહિતની વિવિધ દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ચક્રોગતિમાન કર્યા છે.