(એજન્સી) તા.૬
તુર્કીના રાષ્ટ્રપતિ પાડોશી દેશ ઇરાનની મુલાકાતે પહોંચ્યા છે જ્યાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગાને ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે ભેટ કરી હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે મિડલ ઇસ્ટના દેશોમાં સ્થિરતા લાવવા માટે ઇરાન અને તુર્કી પ્રતિબદ્ધ છે. આ બંને દેશોનો ટોચનો એજન્ડા ફક્ત એક જ છે આતંકવાદ વિરોધી લડત. તેમણે કહ્યું કે આતંકવાદને જડબાતોડ જવાબ આપવો એ જ આ બંને દેશોનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદ વિરુદ્ધ દુનિયાના તમામ ખૂણે લડવા તૈયાર છીએ. ભલે પછી આઇએસના આતંકીઓ હોય કે પછી અલ-નુસરા ફ્રન્ટ કે પીકેકે હોય. અમે તમામ પ્રકારના આતંકી સંગઠનો માટે સાથે મળીને લડવા પ્રતિબદ્ધ છીએ.
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ સાથે બેઠક કર્યા બાદ બંને ટોચના નેતાઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે અમે ક્ષેત્રીય મુદ્દાઓ સહિત, સીરિયાની કટોકટી, ઇરાકના કુર્દિસ્તાન વિસ્તારનો વિવાદ, અંકારા તથા તહેરાનમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા લાવવા પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે ઇરાન અને તુર્કી મિડલ ઇસ્ટમાં શક્તિશાળી દેશોમાં સામેલ છે. તેમણે કહ્યું કે અમે વિદેશીઓને મિડલ ઇસ્ટમાં અસ્થિરતા ફેલાવવા નહીં દઇએ. અમે તેમના તમામ પ્રકારના ષડયંત્રોને નિષ્ફળ બનાવવા પ્રતિબદ્ધ છીએ. તમને જણાવી દઈએ કે બંને દેશના ટોચના નેતાઓએ બેઠક કરી અનેક કરારો પણ કર્યા હતા જેમાં બંને દેશો એકબીજા દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અને અનેક ક્ષેત્રીય મુદ્દાઓ જેવા કે સીરિયા, મ્યાનમાર, કુર્દિસ્તાન રિજિયોનલ રેફરેન્ડમ, પેલેસ્ટીન તથા અફઘાનિસ્તાન જેવા સળગતા મુદ્દાઓ પર એકસમાન વલણ અપનાવવા અને એકબીજાને ભરપૂર સહયોગ આપવા સહમત થયા હતા. બંને નેતાઓએ એક સંયુક્ત પત્રકાર પરિષદમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે એકબીજા દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવા માગીએ છીએ. તમને જણાવી દઇએ કે તુર્કીના રેસેપ તૈયિપ એર્દોગાન અને હસન રૂહાનીના વડપણ હેઠળ સુપ્રીમ કાઉન્સિલ ફોર કોર્પોરેશનની ચોથી બેઠક યોજાઈ હતી જેમાં આ બંને ટોચના નેતાઓ સહિત દેશના તમામ મંત્રાલયોના ટોચના નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ તુર્કીના પણ કેટલાક ટોચના મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંને ટોચના નેતાઓ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા એકમત થયા હતા અને તેમણે બંને દેશો વચ્ચે ભાઈચારો, મિત્રતા તથા અનેક મુદ્દે સહયોગ આપવા સહમતિ આપી હતી. તમને જણાવી દઇએ કે બુધવારે જ તુર્કીના રાષ્ટ્રપતિનું હસન રૂહાનીએ સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઇકે આ મુલાકાતમાં રેસેપ તૈયિપ એર્દોગાન સાથે તુર્કીના એનર્જી, કસ્ટમ, ઇકોનોમી તથા સાંસ્કૃતિક મંત્રી પણ જોડાયા છે. આ બેઠકમાં તાજેતરમાં યોજાયેલા કુર્દિસ્તાન રેફરેન્ડમ મામલે પણ બંને ટોચના નેતાઓએ ગાઢ ચિંતા વ્યક્ત કરી હતી.