(એજન્સી) નવી દિલ્હી, તા.૪
મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી મળવાની આશાએ બેઠેલા ખાનગી કોલેજોના સંચાલકો તથા રાજ્ય સરકારોને મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અહેવાલને પગલે ૬૮ નવી મેડિકલ કોલેજોની દરખાસ્તને ફગાવી દીધી છે. જેમાં ૩૧ સરકારી મેડિકલ કોલેજોના પ્રસ્તાવો પણ સામેલ છે. ફગાવી દેવાયેલ દરખાસ્તોમાં સૌથી વધુ ૧૦ પ્રસ્તાવો ઉત્તરપ્રદેશના હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય પાસે ૭૩ નવી મેડિકલ કોલેજોના પ્રસ્તાવ આવ્યા હતા. મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ તમામ કોલેજોનું નિરીક્ષણ કરી પોતાનો અહેવાલ આરોગ્ય મંત્રાલયને સોંપ્યો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, આવેદન કરનારી કોલેજોમાંથી ૬૮ પાસે એમબીબીએસના અભ્યાસ માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ નથી. મોટાભાગની કોલેજોમાં જરૂરી સાધનોની ગેરહાજરી ઉપરાંત શિક્ષકોની સંખ્યા પણ ઓછી હતી. આ અહેવાલને પગલે સરકારે ૬૮ મેડિકલ કોલેજોના આવેદન રદ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, આરોગ્ય મંત્રાલયે પાંચ નવી કોલેજોને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં રાજસ્થાનની બે સરકારી મેડિકલ કોલેજ, ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને પશ્ચિમ બંગાળની એક-એક મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં જે મેડિકલ કોલેજને મંજૂરી મળી છેે. તેનું નામ મુલાયમ સિંહ યાદવ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છે. મેરઠ સ્થિત આ કોેલેજ એક ખાનગી મેડિકલ કોલેજ છે.