(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
સુરત શહેરના મજૂરાગેટ સ્થિત સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પાસે આજે એક યુવકે પોતાની કિડની દોઢ લાખમાં વેંચવાનું કહેતા હોસ્પિટલમાં હાજર તમામ તબીબો ચોંકી ઉઠ્યા હતા. કહેવાય છે કે કિડની વેચવા માટે યુવક છેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલના બાંકડા પર સુઇ રહ્યો હતો અને આજે તબીબોને મળ્યો હોવાનું જાણવા મળે છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ આદર્શનગરમાં મૂળ રાજસ્થાનનો વિપુલ રાજમલ શાહ (ઉ.વ.૩૮) પરિવાર સાથે રહે છે. તેના પિતા રાજમલ ૪૦ વર્ષ પહેલા સુરત આવ્યા હતા, અને હાલ કરિયાણા સ્ટોર ચલાવતા હોવાનું જાણવા મળે છે. જેમાં પુત્ર વિપુલ મદદ કરે છે. વિપુલના લગ્ન થઇ ગયા છે, અને જોડિયા દિકરીઓ છે. પત્નીએ કહ્યું હતું કે ક્યાંય કમાતા નથી. ફરવા લઇ જતા નથી. દિકરીઓ સાથે ક્યાંય બહાર જમવા લઇ જતા નથી. ત્યારબાદ પત્ની થોડા સમયથી અમદાવાદ જતી રહી હતી. દરમિયાન વિપુલ ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો, અને સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. જ્યાં કિડની વેચવા માટે મથી રહ્યો હતો. છેલ્લાત્રણ દિવસથી વિપુલ સિવિલ હોસ્પિટલના બાંકડા પર સુઇ રહ્યો હતો. દરમિયાન આજે એક મેડિકલ ઓફિસર પાસે ધસી ગયો હતો, વિપુલે જણાવ્યું હતું કે ઇડલી વેચી અગરબત્તીનો વેપાર કરી પરિવારની જરુરીયાતો પુરી કરુ છે. મારે બે જોડિયા દિકરીઓ અને પત્ની છે. એ બંને હું બહાર પિક્ચર, ફરવા, ભોજન માટે લઇ જઇ શકતો નથી એટલે કિડની વેચવી છે. દોઢ લાખ રૂપિયામાં, આ સાંભળી હાજર તમામ તબીબો ચોંકી ગયા હતા. જોકે તેની માનસિક સ્થિતિ સામાન્ય ન લાગતા સમજાવી ઘરે રવાના કર્યો હતો. વિપુલના પિતા સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે વિપુલ અડધો માનસિક બિમાર છે. ૧૭ વર્ષથી મુંબઇ સુરત સહિતના મોટા મનોચિકિત્સકો પાસે તપાસ કરાવી છે, પણ કોઇ અસર થતી નથી. બેત્રણ દિવસ ઘરે રહે છે. ત્યારબાદ રોકડ રૂપિયા અને મોબાઇલ ફોન લઇને નિકળી જાય છે. રૂપિયા પુરા થયા બાદ સંબંધીઓ પાસેથી રૂપિયા લઇ આવે છે,જોકે આવી રીતે સંબંધીઓને મે લાખો રૂપિયા ચુકતે કર્યા છે.