માંગરોળ, તા.૨૯
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામે ૭૦ એકર વિશાળ જમીનમાં માત્ર ફૂડ અને એગ્રો પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ માટે ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડપાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રાજ્યનો પ્રથમ મેગા ફૂડપાર્ક છે. જેની લોકાર્પણવિધિ આજે કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, ભારત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી સાધ્વી નિરંજન જ્યોતીજી, રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવા વગેરેઓની ઉપસ્થિતિમાં આ મેગા ફૂડપાર્કની લોકાર્પણવિધિ કરવામાં આવી છે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમનું ઉપરોક્ત મહાનુભાવોએ દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો. રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતો-ખેેતમજૂરો અને ગરીબ પ્રજાની સરકાર છે. રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના સેંકડો ખેડૂતોની પિચાવાની રકમ ઉપરનું ર૪પ કરોડ રૂપિયા જેટલું વ્યાજ માફ કર્યું છે. કેન્દ્રના રાજ્ય કક્ષાના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના મંત્રી સાધ્વી નિરંજન જ્યોતીજીએ જણાવ્યું કે, આ મેગા ફૂડપાર્ક સંપૂર્ણપણે કાર્યરત થતાં હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થશે. સાથે જ ખેડૂતોની આવકમાં વધારો થશે. બેરોજગારોને, રોજગારી આપવાનું કામ ગુજરાતમાં ખૂબ સારી રીતે થયું છે. કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલે જણાવ્યું કે, આજે રાજ્યને રાજ્યનો પ્રથમ મેગા ફૂડપાર્ક અર્પણ કરતાં આનંદ અનુભવું છું. આવનારા સમયમાં આ મેગા ફૂડપાર્કના સારા પરિણામો જોઈ શકાશે. આ મેગા ફૂડપાર્કમાં અનેક નાના ઉદ્યોગો કાર્યરત થશે. પાંચ કરોડ લેખે ૧૦ યુનિટોને પ૦ કરોડની સહાય અમારા મંત્રાલયે આપી છે. આવનારા બે વર્ષમાં અમારા મંત્રાલય દ્વારા ફૂડ પ્રોસેસિંગના વિકાસ પાછળ ૬ હજાર કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે. આજ પ્રકારનો બીજો મેગા ફૂડપાર્ક ગુજરાતના મહેસાણા ખાતે ઊભો થઈ રહ્યો છે. ગુજરાતમાં ૧૮ કોલ્ડ સ્ટોરેજો, ૧૩ ફૂડ ટેસ્ટિંગ લેબો ઊભી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત માનવમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યમાં ૬૦૦થી વધુ કોલ્ડ સ્ટોરેજો ઊભા કરવામાં આવ્યા છે, જેથી ફળો-શાકભાજી અને અનાજને વધુ સમય સુધી સંઘરી શકાય. એમણે રાજ્યમાં કાર્યરત ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને પણ ફૂડ પ્રોસેસિંગમાં ઝંપલાવવા હાંકલ કરી હતી. ત્યારબાદ ઉપરોક્ત મહાનુભાવોએ મેગા ફૂડપાર્કમાં ઊભા કરાયેલા વિવિધ યુનિટોને ખુલ્લા મૂકી, આ યુનિટોની જાત માહિતી મેળવી હતી.

મેગા ફૂડપાર્કના ઉદ્‌ઘાટનની આમંત્રણ પત્રિકામાં

સુરત જિલ્લા પંચાયતના પ્રમુખની બાદબાકીથી ભાજપમાં જૂથવાદ ચાલતો હોવાની ચર્ચા

આજે માંગરોળ તાલુકાના શાહ ગામે રાજ્યના પ્રથમ મેગા ફૂડપાર્કનું કેન્દ્રીયમંત્રી, મુખ્યમંત્રી, રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ માટે જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે. એમાં જિલ્લાના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો વગેરેઓના નામો છાપવામાં આવ્યા છે. આ સરકારી કાર્યક્રમ હોવા છતાં સુરત જિલ્લાના પ્રથમ નાગરિક એવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન વિપુલભાઈ પટેલના નામની બાદબાકી કરાતાં રીતસર સુરત જિલ્લામાં જિલ્લા ભાજપમાં જૂથબંધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યારે બીજી તરફ સુરત જિલ્લાના બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારનું કાર્ડમાં નામ હતું, છતાં તેઓ હાજર રહ્યા ન હતા. આમ, સુરત જિલ્લા ભાજપમાં છેલ્લા ઘણા લાંબા સમયથી બે જૂથો એક-બીજાને પછાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, તે આ પ્રકારના કાર્યક્રમમાં ખૂલ્લી પડવા માંડી છે.

મેગા ફૂડપાર્કના આયોજકો દ્વારા પત્રકાર
માટે કોઈ વ્યવસ્થા ન કરાઈ

માંગરોળ તાલુકાના શાહ ગામે રાજ્યના પ્રથમ મેગા ફૂડપાર્કનું મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પાર્ક ખાનગી પેઢીનો છે અને આજે આ ખાનગી પેઢીના આયોજકોએ પોતાની તુમાખીનો પરચો પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓને બતાવી દીધો હતો. સભા મંડપમાં મીડિયાના પ્રતિનિધિઓઓ ક્યા બેસવું તેનો કોઈ બોર્ડ લગાવ્યો ન હતો. ટેબલો પણ મૂકવામાં આવ્યા ન હતા. મેગા ફૂડપાર્કની પ્રાથમિક માહિતી આપતા કોઈ કાગળો કે લેટરપેડો પણ આપવામાં આવ્યા ન હતા. વળી ભરગરમીમાં સભા મંડપમાં પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ ત્રણ-ત્રણ કલાક સુધી બેસીને રિપોર્ટીંગ કર્યું છતાં આયોજકોએ પીવાના પાણીની પણ વ્યવસ્થા કરી ન હતી. આ પ્રકારના આયોજનથી પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ મેગા ફૂડપાર્કના વહીવટકર્તાઓની લાલિયાવાદી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.