(એજન્સી) સિલોંગ, તા. ૧૦
બાંગ્લાદેશની સરહદે આવેલા મેઘાલયના પશ્ચિમ જૈનતિયા પહાડી જિલ્લાના એક અંતરિયાળ ગામ અમલાનઇમાં ત્રણ લોકોની હત્યા બદલ ગાયના છ તસ્કરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાડોશી દેશમાં ઢોરોની તસ્કરી કરવા માટે ગામનો આ રૂટ મહત્વનો ગણાય છે. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ગામના સરપંચનો પણ સમાવેશ થાય છે. ૬ઠ્ઠી જુલાઇએ ગામના લોકોને તરંગબ્લાંગ ખાતે રોકીને તેમના પર તીક્ષણ હથિયારો વડે હુમલો કરાયો હતો. રવિવારે રાત્રે આ ઘટના બહાર આવી હતી. પશ્ચિમ જૈનતિયા પહાડી જિલ્લાના એસપી વિવેક સિએમે જોવાઇથી ફોન પર જણાવ્યું કે આરોપીઓ પાસેથી લોહીના ડાઘાવાળા વસ્ત્રો કબજે કરાયા છે અને તેમના કૃત્યનું સમર્થન કરવા માટે આ વસ્ત્રો ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલી દેવામાં આવ્યા છે. એસપીએ એવી ખાતરી આપી છે અમે અપરાધીઓને છોડીશું નહીં અને કાયદા મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એવું પણ જણાવ્યું કે હુમલામાં ગામના સરપંચ થોમલિન સુરોંગ, ગામના સેક્રેટરી હમબોઇ લંગશિયાંગ અને ગામનો અન્ય એક સભ્ય શાન ખોગિંઓંગનાં મોત થયા હતા અને ગંભીર રીતે ઘવાયેલાઓને જોવાઇની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાના છ શકમંદો જ્યોર્જ મેનર, રોઝ મેનર, લસોકી મેનર, વિલિયમ કેરી મેનર, નામદી મેનર અને ખામતિલંગ મિર્લિયાની અટકાયત કરવામાં આવી છે અને હાલમાં તેઓ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકો અને ગાયના તસ્કરો વચ્ચે ઘણી વાર અથડામણો સર્જાઇ હતી પરંતુ ગાયના તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આ પ્રથમ મોટી ઘટના છે.