(એજન્સી) મુંબઈ, તા.ર૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક રહી ચૂકેલા બ્રિટનના નેતા અને અર્થશાસ્ત્રી મેઘનાથ દેસાઈએ મોદીની ટીકા કરતાં તેમની ટીમને સાથે લઈને ન ચાલનાર ખેલાડી ગણાવ્યા. સાથેસાથે કહ્યું કે, નિરાશ મતદાતા તેમને ફરી વખત બહુમતી નહીં અપાવે. દેસાઈએ કહ્યું કે, મોદીએ જરૂર કરતાં વધુ વાયદા કર્યા અને તેમણે એ માનવાની ભૂલ કરી કે મજબૂત પ્રધાનમંડળના કારણે કેટલાક નોકરશાહોની મદદથી આખા દેશ પર શાસન કરી શકાશે, જેમ કે તેમણે ગુજરાતમાં મુખ્યપ્રધાન રહેવા દરમિયાન કર્યું હતું. દેસાઈએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગના લોકો નિરાશ થયા છે. ક્યાંકને ક્યાંકએ ભાવના છે કે “અચ્છે દિન” હજુ સુધી આવ્યા નથી. લંડનમાં વસી ચૂકેલા દેસાઈએ જણાવ્યું કે મોદી પાસે ઘણા મોકા હતા. સાથે તેમણે એમ પણ કહ્યું કે, ટીમને સાથે લઈને ન ચાલવું મોદી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે, મોદી સારા નેતા તો છે, પરંતુ ટીમને સાથે લઈને ચાલનાર સારા ખેલાડી નથી. તે ટીમના નેતા નથી. તેઓ જન નેતા તો છે, પરંતુ ટીમ લીડર નથી. તેમના પ્રધાનમંડળમાં અરૂણ જેટલી અને સુષ્મા સ્વરાજને છોડીને કોઈ અનુભવી નથી.
દેસાઈ કહે છે કે, તેનાથી ઊલટું મનમોહનસિંહના નેતૃત્વવાળા યુપીએ શાસનમાં પ્રણવ મુખરજી, અર્જુનસિંહ, શરદ પવાર અને પી.ચિદમ્બરમ સહિત કમસે કમ છ પ્રધાન પાસે પદની યોગ્યતા હતી. તેમણે કહ્યું કે મોદીને એ અનુમાન ન હતું કે વસ્તુઓ આટલી જટિલ બની જશે અને હવે તે એવા સ્તર પર પહોંચી ગઈ છે કે, તેમણે એક વાર ફરી સત્તા પર આવવા લોકોને ફરી મનાવવા પડશે અને લોકોને વિનંતીઓ કરવી પડશે.