(સંવાદદાતા દ્વારા) મેઘરજ, તા.૧૯
અરવલ્લી જિલ્લાના મેઘરજનગરમાં આવેલ બેંક ઓફ બરોડાના બેંક મેનેજરે અને તેમના એજન્ટે મેઘરજ તાલુકાના પાંચ ઈસમોના નામે લોનના નામે બારોબાર રૂા.૫૪.૯૫ લાખ રૂપિયા ઉપાડી લેતા ભોગ બનનાર ઇસમોએ મેઘરજ પોલીસને લેખિતમાં જાણ કરી હતી, પરંતુ મેઘરજ પોલીસે ફરિયાદ રજિસ્ટર ન કરતા ભોગ બનનારે ગુજરાત હાઇકોર્ટનો આશરો લેતા ગુજરાત હાઇકોર્ટે ચાર સપ્તાહમાં બેંક મેનેજર અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. મેઘરજનગરમાં આવેલ બેંક ઓફ બરોડાના બેંક મેનેજરે અને એજન્ટે ફર્નિચરના એક વેપારી પાસે લોન આપવાના હેતુથી લોન કરવા આપેલ સહી સિક્કાવાળા કોરા લેટરપેડ અને સહીવાળા કોરા ચેકનો દૂર ઉપયોગ કરી અલગ-અલગ પાંચ ઈસમોના નામે લોન કરી બારોબાર લોનની રકમ ઉપાડી લેતા અરજદારોને પોતાના સાથે છેતરપિંડી થયું હોવાનું માલૂમ પડતાં ભોગ બનનાર ઇસમોએ તા.૨૪ જૂન ૨૦૧૮ના રોજ મેઘરજ પોલીસને બેંક મેનેજર અને એજન્ટ વિરૂદ્ધ લેખિતમાં જાણ કરી હતી પરંતુ મેઘરજ પોલીસે કાયદેસર ફરિયાદ રજિસ્ટર ન કરતા ભોગ બનનાર ઈસમે ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો હતો અને હાઇકોર્ટે ફરિયાદની વિગત તપાસી ચાર સપ્તાહમાં બેંક મેનેજર અને એજન્ટ વિરૂદ્ધ કાયદેસર ફરિયાદ નોંધવા મેઘરજ પોલીસને ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે.