(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
રાજ્યભરમાં આજે મેઘરાજાએ વિવિધ વિસ્તારમાં હેત વરસાવવાનું જારી રાખ્યું હતું તો કેટલાક વિસ્તારમાં વધુ પડતું હેત વરસાવી વ્હાલનો દરિયો છલકાવી દીધો હતો ગાંધીનગર જિલ્લાના કલોલમાં તો ૯ ઈંચ વરસાદ તૂટી પડતાં ચોતરફ પાણી જ પાણી થઈ ગયું હતું. એ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદમાં ૧૦ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં ૮ ઈંચ, મહુધામાં ૬ ઈંચ વરસાદ સાથે મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા ખેડા, આણંદ, પંચમહાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડતા તંત્ર સાબદુ થયું છે.
આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ સહિત સૌરાષ્ટ્ર પંથક અને કચ્છના વિસ્તારોમાં પણ આજે સારો એવો વરસાદ નોંધાયો હતો. બીજીબાજુ, ચોટીલા-મોરબી, સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં જળબંબાકારની સ્થિતિ સામે આવી છે. ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજયના ૩૪ જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. તો ચોટીલા,મોરબી, માળિયા મીયાણાં સહિતના પંથકોમાં આજે ૫૦થી વધુ રેસ્કયુ ઓપરેશનો હાથ ધરાયા હતા. સેંકડો લોકોને બચાવાયા હતા તો, આજે પણ હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું. અમદાવાદ જિલ્લાના નવથી વધુ તાલુકામાં આજે ભારે વરસાદ નોંધાતાં ઠેર-ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા. અમદાવાદના સાણંદ, બાવળા, ધંધુકા, દસ્ક્રોઇ સહિતના તાલુકાઓમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, સહિતની બચાવ ટીમો સતત કાર્યરત રહી હતી તો, કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો, એરફોર્સની મદદ લઇ હેલિકોપ્ટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. રાજયમાં આજે સૌથી વધુ રેસ્કયુ ઓપરેશન સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, માળીયામીયાંણા, મચ્છુ આસપાસના ગામો સહિતના વિસ્તારોમાં હાથ ધરાયા હતા. આજે રાજયમાં ગાંધીનગરના કલોલમાં નવ ઇઁચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. રોડ-રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો, બનાસકાંઠાના દિયોદરમાં પણ આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં પાણી જ પાણી જોવા મળતું હતું. પંથકના તમામ નદી-નાળાઓ છલકાયા હતા. જિલ્લાના ભાભર, અમીરગઢ સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ પડયો હતો. તો આજે ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી. ખેડા જિલ્લાના મહુધામાં ૬ ઇંચથી વધુ, નડિયાદમાં ૫ ઇંચ, મહેમદાવાદ પાંચ ઇંચ, ઠાસરામાં ચાર ઇંચથી વધુ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે આ પંથકોમાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. સુરેન્દ્રનગના હળવદ અને તેની આસપાસના પંથકોમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું. તો પાટણ જિલ્લામાં પણ વરસાદી હેલી વરસી હતી. પાટણના સાંતલપુરમાં છ ઇંચ, રાધનપુરમાં સાત ઇઁચ સહિત પંથકના અન્ય ભાગોમાં પણ ત્રણથી પાંચ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. સાંતલપુરનું કમાલપુરા ગામ તો બેટમાં ફેરવાયું હતું. મહેસાણા જિલ્લાના માત્ર અડધાકલાકમાં જ વિસનગર અને બહુચરાજીમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર બની ગયુ હતું. આજે વડોદરામાં ચાર થી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં વડોદરા શહેર અને જિલ્લાના પંથકોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
આણંદ, સુરત, વલસાડ, ડાંગ-આહવા ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સુરેન્દ્રનગર, ગોંડલ, મોરબી, રાજકોટ સહિતના પંથકોમાં આજે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા નોંધાયા હતા. છેલ્લા બે દિવસના વરસાદી મેઘતાંડવના કારણે સૌરાષ્ટ્ર-ક્ચ્છ પંથકમાં ઠેર-ઠેર નદીઓ ગાંડીતૂર બની હતી તો, ડેમો ઓવરફલો થયા હતા અને તળાવો ફાટયા હતા. રાજયભરમાં આજે પણ ભારે વરસાદને પગલે એસટી અને રેલ વ્યવહારને ભારે અસર પહોંચી હતી.

રાજ્યમાં બે નેશનલ, ૧૭ સ્ટેટ તેમજ ૧૧૦ ધોરીમાર્ગો બંધ કરાયા

ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં આભ ફાટયા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છના માળીયા મીયાણાં સહિતના પંથકોમાં પૂરની પરિસ્થિતિ બાદ રોડ, રસ્તા અને રેલ્વે ટ્રેકોનું રીતસરનું ધોવાણ થઇ ગયું છે. જેના કારણે આજે સતત બીજા દિવસે પણ એસટી બસ સેવા અને રેલ સેવા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ હતી. રાજયના બે નેશનલ હાઇવે અને ૧૭થી વધુ સ્ટેટ હાઇવે સહિત કુલ ૧૧૦થી વધુ ધોરીમાર્ગો બંધ હાલતમાં છે, જેના કારણે સંખ્યાબંધ એસટી બસોની ટ્રીપો રદ કરાઇ હતી તો, સૌરાષ્ટ્ર-ક્ચ્છ રૂટના રેલ વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી હતી. જેના કારણે હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા. ખાનગી લક્ઝરી અને વાહનોની સેવા પણ ઠપ્પ જેવી બની રહી હતી. વરસાદી મેઘતાંડવને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ પંથકોના વિસ્તારો ખાસ કરીને તમામ રોડ, રસ્તાઓ, જાહેરમાર્ગો અને રાજય ધોરી માર્ગો ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. રાજયમાં જળપ્રલયના કારણે ગુજરાતભરમાં ૧૧૦થી વધુ ધોરીમાર્ગો તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં બે નેશનલ હાઇવે અને ૧૭થી વધુ સ્ટેટ હાઇવેનો સમાવેશ થાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ તરફના સ્ટેટ હાઇવે અને અનેક રસ્તાઓ હજુ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે સૌરાષ્ટ્ર તરફ જતી સંખ્યાબંધ એસટી બસોની ટ્રીપો રદ કરી દેવાની ફરજ પડી હતી. ગઇકાલે તંત્રએ ૩૦૦થી વધુ એસટી બસોની ટ્રીપો રદ કરાતાં હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા હતા, ત્યારબાદ આજે જે માર્ગો પૂર્વવત્‌ બનાયા તે રૂટની એસટી સેવા ચાલુ કરાઇ હતી પરંતુ બાકીના રૂટ પર સુરક્ષાના કારણોસર હજુ પણ એસટી બસોની ટ્રીપ બંધ રખાઇ હતી. તો, સૌરાષ્ટ્ર રૂટના રેલ વ્યવહારને પણ પણ ગંભીર અસર પહોંચતા રેલ વ્યવહાર ખોરવાયો હતો. પરિણામે, રેલ્વેના પણ હજારો પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.