(એજન્સી) શ્રીનગર, તા.૯
કેન્દ્ર સરકારના ઇશારે શ્રીનગર આવેલા વિદેશી રાજદૂતોના એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવા બદલ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ તેના આઠ નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. પીડીપીએ જણાવ્યું કે હકાલપટ્ટી કરવામાં આવેલા નેતાઓ કેન્દ્ર સરકાર સાથે મંત્રણા કરીને લોકોની ઇચ્છાની વિરૂદ્ધમાં ગયા હતા. પીડીપીમાંથી હકાલપટ્ટી કરાયેલા નેતાઓમાં ભૂતપૂર્વ ધારાસભ્ય દિલાવર મીર, રફી અહમદ મીર, જફર ઇકબાલ, અબ્દુલ મજીદ પડરો, રાજા મંજૂર ખાન, જાવેદ હુસેન બેગ, કમર હુસેન અને અબ્દુલ રહીમ રાથરનો સમાવેશ થાય છે. મહેબૂબા મુફ્તીના નેતૃત્વવાળી પાર્ટીએ જણાવ્યુ કે પક્ષની શિસ્ત સમિતિએ આ નેતાઓને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવાની ભલામણ કરી હતી. ૨૦૧૯ની પાંચમી ઓગસ્ટ બાદના ઘટનાક્રમો અને ભારત સરકારના એકતરફી નિર્ણયોએ લોકોની લાગણીઓ દુભાવી છે. અમને જાણવા મળ્યું કે પાર્ટીના કેટલાક નેતાઓએ વિદેશી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી અને આ બાબત રાજ્યના હિતો, પાર્ટી તેમ જ મુખ્ય માન્યતાઓની વિરૂદ્ધમાં છે.
જમ્મુ-કાશ્મીર : વિદેશી રાજદૂતોના પ્રતિનિધિમંડળને મળવા બદલ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ આઠ નેતાઓની હકાલપટ્ટી કરી

Recent Comments