નવી દિલ્હી,તા.ર
કથિત પાસપોર્ટ વિવાદમાં આંતરધર્મીય યુગલના સમર્થનમાં આવેલ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં ટ્રોલ અને ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સામે અનેક અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુષ્મા સ્વરાજ પહેલાં ઘણા રાજકારણીઓ ટ્રોલ થતા રહ્યા છે પરંતુ સુષ્મા સ્વરાજનો મામલો એટલા માટે અલગ છે કારણ કે ટ્રોલર અન્ય કોઈ નહીં પરંતુ એમની જ વિચારધારા વાળી પાર્ટીના સમર્થકો છે. યુઝર્સોની કહેવું છે કે, મુસ્લિમ તુષ્ટિકરણ માટે સુષ્માએ તન્વી શેઠનો પાસપોર્ટ જારી કર્યો. આ તર્ક સાથે અનેક ટ્‌વીટર યુઝર્સે સુષ્મા સ્વરાજ પર ગંદી કોમેન્ટસ કરવી શરૂ કરી દીધી. સુષ્માએ યુઝર્સના અપમાનજનક ટ્‌વીટને લાઈક કર્યા ત્યારબાદ તેમણે એક પોલ શેર કરીને લોકોની સંમતિ જાણવા પ્રશ્ન કર્યો તેમણે ટ્‌વીટમાં પૂછ્યું કે શું તમે આ પ્રકારની અભદ્ર ભાષામાં લખાયેલ ટ્‌વીટને યોગ્ય માનો છો ? આ પોલમાં ૧ લાખ ર૪ હજાર ૩૦પ લોકોએ ભાગ લીધો હતો. જેમાં પ૭ ટકા લોકોએ સુષ્માને સમર્થન કર્યુ જ્યારે ૪૩ ટકા લોકો ટ્રોલ્સના સમર્થનમાં રહ્યા. પરિણામમાં ટ્રોલના સમર્થકોની સંખ્યા ભલે ઓછી હોય પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ૪૩ ટકા લોકોએ ટ્રોલનું સમર્થન કર્યું છે. એનો મતલબ એ થયો કે ફક્ત વિરોધના જ પક્ષમાં નહીં પરંતુ અભદ્ર ભાષા અને અપશબ્દોની તરફેણમાં પણ આ ૪૩ ટકા લોકોનું સમર્થન યુઝર્સ આટલેથી ન અટકતા ટ્રોલમાં કે સુષ્મા સ્વરાજના પતિને કહ્યું કે “સુષ્મા જ્યારે ઘરે આવે તો એમની ધોલાઈ કરજો” આ પ્રકારની ટ્‌વીટ પર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અથવા સરકાર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિએ વિરોધ નોંધાવ્યો નથી. આખરે સુષ્મા સ્વરાજે જાતે જ એની પ્રતિક્રિયા આપવી પડી. જ્યારે કોંગ્રેસ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સુષ્માના સમર્થનમાં ટ્‌વીટ કરી તેમણે કહ્યું કે, ગમે તેવી પરિસ્થિતિ રહી હોય પરંતુ કોઈના માટે ધમકી અથવા અપમાનજનક ભાષાનો પ્રયોગ કરી શકાય નહીં. કોંગ્રેસે કહ્યું કે તેઓ સુષ્મા સ્વરાજના નિર્ણયનું સમર્થન કરે છે અને એમની જ પાર્ટીના લોકો એમની વિરૂદ્ધ મેસેજ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જમ્મુ કાશમીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ અંગે ટ્‌વીટ કરી હતી. તેમણે ટ્‌વીટમાં લખ્યું કે, આપણા પોતાના જ વિદેશમંત્રી ટ્રોલમાંથી બચી શક્યા નથી એ આશ્ચર્ય જનક અને હેરાન કરનારૂં છે. મહેબૂબાએ કહ્યું કે, સુષ્મા સ્વરાજને જે રીતે અભદ્ર ભાષામાં ટ્રોલ કરવામાં આવ્યા એ આશ્ચર્ય જનક છે. જો મંત્રી પણ ટ્રોલમાંથી બચી શક્યા નહીં તો અન્ય મહિલાઓ માટે શું આશા રાખી શકાય ?