(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
જમ્મુ અને કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કાશ્મીર ખીણમાં ચાલી રહેલા રક્તપાત માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવ્યું છે. ઇન્ડિયા ટીવીના ચેરમેન અને ચીફ એડિટર રજત શર્મા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપતાં તેમણે જણાવ્યું કે કાશ્મીરની સમસ્યામાં શરૂઆતથી પાકિસ્તાનની ભૂમિકા છે. જોકે, તેમણે એવો આગ્રહ કર્યો કે કાશ્મીરની સમસ્યા ઉકેલવા માટે પાકિસ્તાન સાથે મંત્રણા જરૂરી છે. મોદીએ ૫૬ ઇન્ચની છાતી હોવાની ડંફાસ મારી હોવાથી વડાપ્રધાનની કાર્ય કરવાની વિભિન્ન શૈલીની રજત શર્મા દ્વારા મહેબૂબાને યાદ અપાવવામાં આવતા તેમણે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો મોદીની ૫૬ ઇન્ચની છાતીમાંથી એક ઇન્ચ માટે હકદાર છે. ૫૬ ઇન્ચની છાતીમાંથી વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના લોકો માટે એક ઇન્ચની છાતી બતાવવી જોઇએ. જોકે, મહેબૂબાએ એવો પ્રશ્ન કર્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી શા માટે બસમાં પાકિસ્તાન ગયા હતા ? કાશ્મીરને તમે પ્રેમ કરો છો તેથી તમારે પ્રયાસો ચાલુ રાખવા જોઇએ.