(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, હાલનો સમય ભારત માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો સૌથી ઉત્તમ સમય છે કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને પાક સૈન્યની કઠપૂતળી ગણવામાં આવી રહ્યું છે. જો હાલના સમયમાં પાકિસ્તાન સાથે વાતચીતનું આયોજન થાય તો એના દ્વારા લાભદાયક પરિણામો મળી શકશે. જ્યારે ઈમરાનખાન વાતીચીતની તૈયારી બતાવી રહ્યા છે, એ કોરીડોર ખુલ્લા કરવા તૈયાર છે. તેથી મને લાગે છે કે સૈન્ય પણ આ જ રીતે વિચાર કરતો હશે. મુફ્તીએ કહ્યું કે, ભારત માટે અને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે લાભદાયક પૂરવાર થશે. જે રીતે મુશર્રફના સમયમાં યુદ્ધવિરામનો અમલ ચાલુ થયો હતો અને મુઝફ્ફરનગરનો માર્ગ ખુલ્લો મૂકાયો હતો. એ જ રીતે હાલમાં પણ વાતચીત ફળદાયી રહેશે. મુફ્તીએ કહ્યું કે, મારો પક્ષ એવા કોઈ પણ રાજકીય પક્ષ સાથે હાથ મીલાવવા તૈયાર રહેશે જે પક્ષ કાશ્મીર મુદ્દો ઉકેલવા તત્પરતા દાખવશે, જો અમે ભાજપ સાથે હાથ મિલાવી શકીએ છીએ તો કોઈની સાથે પણ હાથ મિલાવી શકીશું પણ છેવટે મકસદ કાશ્મીર મુદ્દાનો ઉકેલ હોવો જોઈએ. એમને પૂછાયું કે શું એમને ભાજપ પાસેથી કોઈ બોધપાઠ મળ્યો, એનો જવાબ નકારમાં આપતા કહ્યું કે, મને કોઈ બોધપાઠની જરૂર નથી. હું પોતાના વલણ બાબત મક્કમ હતી અને છું. મેં જમ્મુ-કાશ્મીરના લોકોના કલ્યાણ માટે અખતરો કર્યો હતો પણ કમનસીબે સફળ રહ્યું નહીં.