(એજન્સી) તા.૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રવિવારે દક્ષિણ-કાશ્મીરના પુલવામામાં એક આતંકવાદીની બહેન સાથે મુલાકાત કરી હતી જેને પોલીસે ત્રણ દિવસ સુધી કથિત રીતે અટકાયતમાં રાખી હતી. મુફ્તીએ કહ્યું હતું કે, હાલમાં તે મહિલા પથારીવશ છે અને પોલીસ કસ્ટડીમાં તેની સાથે ‘અતિશય મારપીટ’ કરવામાં આવી હતી. મુફ્તીએ આતંકવાદીની બહેનના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, જ્યારે તેની ધરપકડ, તપાસ અને તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી ત્યારે કોઈપણ મહિલા કોન્સ્ટેબલ હાજર ન હતી. તેણીએ કહ્યું હતું કે, તેેને કસ્ટડીમાં કથિત રીતે નિવસ્ત્ર કરવામાં આવી હતી તેમજ તેના પતિ અને ભાઈ સાથે મારપીટ કરવામાં આવી હતી. જો કે જમ્મુ-કાશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એમ.કે.સિન્હાએ કહ્યું હતું કે, તે મહિલાને ક્યારેય પણ અટકાયતમાં લેવામાં આવી નથી અને જ્યારે તે મહિલાના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમણે તે મહિલાની મુલાકાત લીધી હતી. પરંતુ તેમણે આ સ્પષ્ટતા કરી ન હતી કે શા માટે તે મહિલાના સંબંધીઓની ધરપકડ કરવામાં આવી હતી.