મહેસાણા, તા.૨૮
ર૦૦રની ર૭મીએ થયેલી ટ્રેન પર હુમલાની ઘટના પણ ખૂબ દુઃખદ જ હતી. પણ તે પછી ગુજરાતમાં જે થયું, તેમાં લોકો લાચાર, હુમલાનો ભોગ એ કારણથી વધુ બન્યા કે, પોલીસે તેમની નોકરી ઈમાનદારીપૂર્વક ન બજાવી અને મૂક સાક્ષી બની તમાશો જોતી રહી. પાછળથી સક્રિય થઈ પણ ત્યાં સુધીમાં કેટલાએ નિર્દોષો વિના કારણ મોતને ભેટ્યા, ઘાયલ થયા, ઘરો-દુકાનો, ધાર્મિક સ્થળો લૂંટાયા, સળગાવાયા, તે નાગરિકો હજી ફરી બેઠા થઈ શકયા નથી. આજેય ર૦૦રનો ભોગ બનેલાની અત્યારેય સ્થિતિ ખૂબ દયાજનક છે છતાં તેમની સુધબુધ લેનાર કોઈ નથી. વિજાપુર તાલુકાના સરદારપુર ગામની ઘટના પણ આ વાતને દોહરાવે છે. વર્ષ ર૦૦રમાં માર્ચ મહિનાની પહેલી તારીખની રાત્રીએ વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં આવેલા શેખવાસમાં સર્જાયેલી અતિ કરૂણ ઘટનાને યાદ કરતાં આજે ૧૭ વર્ષે પણ નજરે નિહાળનાર અને માંડ માંડ પોતાના જીવ બચાવી ભાગેલા લોકોની આંખો ભિંજાઈ જાય છે. આ હત્યાકાંડમાં સ્વજનોને ગુમાવી ચૂકેલા શ્રમજીવી પરિવારો હાલ હિંમતનગરના સતનગરમાં પોતાની બાકીની જિંદગી જેમ-તેમ કરીને આગળ ધપાવી રહ્યા છે. વિજાપુરના સરદારપુરમાં આવેલા શેખવાસમાં એ રાત્રીએ બનેલી ઘટના ભલભલાની કાળજાં કંપાવી દે તેવી હતી. તોફાની બનેલા સશસ્ત્ર હજારો કટ્ટરવાદીઓના ટોળાએ શેખવાસ ઉપર હુમલો કરતાં અહીં રહેતા રપ મુસ્લિમ પરિવારોના બાળકો, મહિલા અને વૃદ્ધો એક નાનકડી ઓરડીમાં સંતાઈ ગયા હતા. તેમની ઉપર ટોળાએ હુમલો કરી નિર્દયતાપૂર્વક ૩૩ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઊતારી દેવાયા હતા, જ્યારે અન્ય લોકો રાત્રીના અંધકારમાં માંડ-માંડ પોતાનો જીવ બચાવી ખેતરોમાં લપાતા છૂપાતા સલામત સ્થળે પહોંચ્યા હતા. આ કંપારી છોડાવી દે તેવી ઘટના અંગે જણાવતાં હાલ સતનગર ખાતે રહેલા ગુલામઅલી અકબરમિયાં શેખ (ઉ.વ.૩૭) કહે છે કે, આ હુમલામાં મેં મારો ભાઈ ઈદ્રીસ, કાકા રસુલમિયાં, કાકી મેમુદાબીબી સહિત પરિવારના છ સ્વજનોને ગુમાવ્યા છે. અમારી ઉપર વિતેલી એ ક્ષણો જીવનના અંતિમ ક્ષણ સુધી હું ભૂલી શકુ તેમ નથી. આજે પણ અમોને એ ઘટના યાદ આવી જતાં માનસ ઉપર ડર સતાવે છે. અમારામાંથી કોઈ હવે સરદારપુર જવા તૈયાર નથી. જેમ-તેમ મજૂરી કરીને અમારા કુટુંબનું ભરણપોષણ કરીએ છીએ પણ અહીં શાંતિ છે. નોંધપાત્ર છે કે, ર૦૦રમાં ગોધરાકાંડ બાદ તેની ઝપટમાં વિજાપુર તાલુકામાં આવેલ સરદારપુરને પણ કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું હતું. પઠાણવાસમાં પ્રથમ હુમલો કર્યો હતો, પરંતુ કારગર ન નિવડતાં છેવટે ટોળું શેખવાસ ઉપર ત્રાટક્યું હતું અને ૩૩ નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ અહીંથી તમામ પરિવારોએ હિજરત કરી હિંમતનગરના સતનગરમાં વસવાટ કર્યો છે. સરદારપુરની ઘટના એટલી ભયાનક હતી કે, શેખવાસમાં આવેલા ર૦ જેટલા મકાનોની આજે નજરે પડતી ખંડેર હાલત જ દર્શાવી જાય છે.