(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧૨
ખેરાલુથી સિદ્ધપુર રોડ ઉપર મોડી રાત્રે એક પીકઅપ ડાલુ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અંદર બેઠેલા છ મજૂરોનાં કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે ૧૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીકઅપ ડાલુ કચ્છના નલિયાથી ખેડબ્રહ્મા તરફ જઈ રહ્યું હતું. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કચ્છના નલિયાથી પીકઅપ ડાલુ ભાડે કરીને પોતાના સરસામાન સાથે શ્રમજીવી પરિવારના ર૦ જેટલા લોકો રાત્રીના સુમારે ખેડબ્રહ્મા જવા રવાના થયા હતા, ત્યારે માર્ગમાં સિદ્ધપુર-ખેરાલુ રોડ પરના મલેકપુરા નજીક એકાએક પીકઅપ ડાલાના ડ્રાઈવરને ઝોકું આવી જતા તેણે સ્ટેરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડી રોડ પરથી ઊતરી જઈને સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં પાછળના ભાગે બેઠેલા પૈકી પાંચના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે ૧ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં પુંજીલાલા જીવરા ડામોર, સરદાર માનસી ભાભોર, ઉમેસ કાળુ મેડા, શારદા પુંજીલાલા ડામોર, કાળુ દિવાન ભાભોર, કાળીબેન ઈન્દ્રેશ ભાભોરને સમાવેશ થાય છે, જ્યારે સકરી દિનેશ, સીમા દિનેશ, દેવા માનસી, ઈન્દ્રીશ સરદાર, અજય દિવાન ભાભોર, દિનેશ જીવરામ તેમજ અજાણી વ્યક્તિ સહિત ૧૦ જેટલા લોકોને ગંભીર ઈજાઓ થતાં ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રાહત બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.