(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧૫
એલઆરડી ભરતી પ્રક્રિયામાં અનામત વર્ગની મહિલા ઉમેદવારોને થઈ રહેલા અન્યાયના વિરોધમાં આજે બંધારણીય અધિકાર આંદોલન સમિતિના નેજા હેઠળ આપવામાં આવેલા મહેસાણા શહેર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. જૂના મહેસાણા વિસ્તારમાં મોટાભાગના બજારો બંધ રહેવા પામ્યા હતા. જો કે, હાઈવે વિસ્તારમાં વેપાર-ધંધા રાબેતામુજબ ધમધમતા રહ્યા હતા. ગાંધીનગર ખાતેની સત્યાગ્રહ છાવણીમાં બે મહિના કરતા વધુ સમયથી રાજ્ય સરકારના ર૦૧૮ના ઠરાવ રદ્દ કરી ન્યાયની માગણી કરી રહેલ એસસી/એસટી અને ઓબીસી સમાજની એલઆરડીની ભરતી નોંધાવનાર મહિલા ઉમેદવારો આંદોલન ચલાવી રહી છે. બીજી તરફ બિનઅનામત વર્ગની મહિલાઓએ પણ આ વિવાદાસ્પદ ઠરાવને યથાવત્‌ રાખવાની માંગ સાથે લડતના મંડાણ કર્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મામલો થાળે પાડવા એલઆરડી ભરતી અન્વયે નવો પરિપત્ર જાહેર કરવાની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ ત્રણ દિવસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા છેવટે બંધારણીય અધિકાર આંદોલન સમિતિ દ્વારા અનામત વર્ગની મહિલા ઉમેદવારોના સમર્થનમાં મહેસાણા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે શનિવારે મહેસાણા-૧ વિસ્તારમાં રાજમહેલ રોડ, આઝાદ ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. જો કે, શહેરના હાઈવે વિસ્તારમાં રાબેતા મુજબ બજારો ખૂલ્યા હતા. દરમિયાન આંદોલન સમિતિના કાર્યકરો દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. તે વખતે શહેરના મોઢેરા રોડ ઉપર આવેલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કાર્યાલયે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂકયું હતું. પોલીસે બંધના આંદોલનને પગલે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.