(સંવાદદાતા દ્વારા)
મહેસાણા, તા.૧૨
બેચરાજી વિધાનસભાની બેઠક ઉપર ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ગૃહરાજય મંત્રી રજની પટેલને પ્રચાર દરમ્યાન સર્વત્ર મતદારોના વિરોધનો સામનો કરવા પડી રહ્યો છે. સોમવારે નુગર ગામમાં આવેલા ભાજપના ઉમેદવારની સભામાં ગ્રામજનોએ જોરદાર વિરોધ દર્શાવતા ચાલુ સભા છોડીને ભાગવાની ફરજ પડી હતી.જયારે આજે પાટીદાર બાહુલ્યવાળા પાંચોટ ગામમાં પણ સ્થાનિકોએ રજની પટેલનો ઉગ્ર વિરોધ કર્યો હતો.આ સમયે જિલ્લા ભાજપ આઈટી સેલના એક કાર્યકર ખુલ્લી તલવાર સાથે વિરોધ કરી રહેલ મહિલાઓ સામે ધસી જતાં મામલો તંગ બની ગયો હતો. બેચરાજી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રજની પટેલ, કોંગ્રેસના ઉમેદવાર ભરતજી ઠાકોર અને અપક્ષ તરીકે કોંગ્રેસના બળવાખોર કીરીટ પટેલ ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક ઉપર પાટીદાર સમાજ કોંગ્રેસને સમર્થન કરી રહ્યું હોવાથી કોંગ્રેસની જીતના ઉજળા સંજોગો જણાય છે. ત્યારે ભાજપના ઉમેદવારને પ્રચારમાં ઠેરઠેર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે નુગર ગામમાં યોજાયેલ ભાજપની સભામાં ધસી આવેલા ગ્રામજનોએ હોબાળો મચાવતા રજની પટેલને સલામત સ્થળે જતા રહેવાની ફરજ પડી હતી.દરમ્યાન આજે મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલે દત્તક લીધેલા પાટીદારોના ગામ પાંચોટમાં ભાજપની સભામાં પાટીદાર મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો.આ સમયે ભાજપ આઈટી સેલના અગ્રણી ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે મહિલાઓ સામે ધસી આવ્યો હતો.જેથી એક તબક્કે અફડાતફડીનો માહોલ છવાઈ ગયો હતો.જોકે,મહિલાઓ ટસનીમસ ના થતાં છેવટે ભાજપે આ કાર્યક્રમ આટોપી લીધો હતો.આ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હોવાનું જાણવા મળે છે.