(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૫
મહેસાણા સહિત રાજ્યમાં લૂંટ અને ઘરફોડ ચોરી સહિતના ૧૮ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને આજે એલસીબી પોલીસે ધરપકડ કરી હતી જયારે તેમની પાસેથી બે ટ્રક, એક કાર અને શુઝ-સેન્ડલનાં ૩૬ કાર્ટુન, ટાટા એસનાં ટાયર નંગ-૪૦ અને ત્રણ મોબાઈલ મળી પોલીસે કુલ રૂ.૫૭,૮૨,૩૫૦નો મુદ્દામાલ કબજે કરીને લૂંટના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી હતી. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર મહેસાણાના પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિકની સુચના અનુસાર એલસીબીના પીઆઈ આર.એસ.પટેલ, સહિતની પોલીસ ટીમે મળેલી બાતમીમે આધારેે પાલાવાસણાથી રામપુરા ચોકડી તરફ જતા રસ્તા ઉપર એક ટ્રકમાંથી બીજી ટ્રકમાં ચોરીના સામાનની હેરાફેરી કરી રહેલા અશફાક અબ્દુલા મહોમ્મદ (ગોધરા), રાજેન્દ્ર કેશવલાલ સુથાર (વડોદરા) અને સાગર સુભાષચંદ્ર ચૌહાણ (ગોધરા)ને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બે ટ્રક,એક વર્ના ગાડી કબજે લીધાં હતા. પૂછતાછ દરમ્યાન આરોપીઓએ ૧૮ ગુનાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીઓએ મહેસાણા તાલુકા પોલીસની હદમાંથી તા.૨.૧૧.૨૦૧૭ના રોજ એમ.એસ.ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી જીરુ, તલ, વરિયાળી વિગેરે મળી ૧૬ ટનનો સામાન મળી રૂ.૨૦,૮૩,૨૦૦ની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત,અમદાવાદના દાણીલીમડા, ઓઢવ, અસલાલીનાં ગોડાઉનોમાંથી ચોરીઓ કરી હતી.જયારે તેમણે પાટણ અને સાબરકાંઠા જિલ્લાનાં ગોડાઉન પણ તોડ્યાં હોવાની કબુલાત કરી હતી.