(સંવાદદાતા દ્વારા)
મહેસાણા,તા.૨૪
મહેસાણામાં આવેલ પાયલોટ તાલીમ સેન્ટરના એરપોર્ટ રનવે પર પૂરપાટ દોડી રહેલું વિમાન આજે રનવે પરથી એકાએક નીચે ઉતરી જતાં જીવ પડીકે બંધાયા હતા. જોકે સદનશીબે કોઈ જાનહાનિ થઇ નથી.મહેસાણા હાઇવે પર આવેલા એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી પાયલોટ તાલીમ સંસ્થા કાર્યરત છે. દરમિયાન આજે બપોરના સમયે તાલીમાર્થી છાત્ર સાથે એક ૪ સીટર વિમાન રનવે પર પૂરપાટ દોડી રહ્યું હતું. ત્યારે અચાનક જ આ વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું અને એરપોર્ટની સેફ્ટી દિવાલ સાથે ધડાકાભેર અથડાયું હતું. સદનશીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિમાનના લેન્ડિંગ સમયે બ્રેક ફેઇલ થતાં આ ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે. જો કે, આ ઘટના અંગે એવિએશન કંપની તેમજ અધિકારીઓમાં દોડધામ થઈ હતી.
મહેસાણામાં આવેલા એરપોર્ટ પર વિમાન દુર્ઘટના સર્જાઇ છે. અહીં રન-વે પરથી લપસીને વિમાન સીધું એરપોર્ટની દિવાલમાં ઘૂસી ગયું હતું. ઘટના પર પડદો ઢાંકવા માટે એરપોર્ટમાં મીડિયાને પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે જાનહાની અંગે કોઇ માહિતી મળી ન હતી. તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ કોઇ માહિતી આપવામાં આવી નથી. એરપોર્ટની દિવાલને મોટું નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ એરપોર્ટની ટ્રેનિંગ અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.