અમદાવાદ, તા.૯
હાલ રાજ્યમાં આંદોલન, ધરણાં અને પ્રદર્શનોનો માહોલ છે. બિન સચિવાલય ક્લાર્કના પરીક્ષાર્થીઓ, આદીવાસીઓ અને કોંગ્રેસના આંદોલનની સાથે સાથે હવે ગુજરાતના મહેસૂલ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે. આ મહેસૂલી કર્મચારીઓ પડતર પ્રશ્નોની માંગણી સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મહેસૂલ કર્મચારીઓની હડતાળને લઇ રાજયભરમાં રેવન્યુ એન્ટ્રી સહિતની કામગીરી ખોરવાઇ છે, જેની સૌથી વધુ અસર ખેડૂતોને થઇ છે. રેવન્યુ તલાટીને પંચાયત તલાટીમાં મર્જ કરવાની વાત ચાલી રહી છે, ત્યારે રેવન્યુ તલાટીના કર્મચારીઓની માંગ છે કે, તેમને પંચાયત તલાટીઓ સાથે મર્જ કરવામાં ન આવે. કારણ કે ૧૦ વર્ષની રેવન્યુમાં નોકરી બાદ પંચાયતમાં મર્જ થાય તો ફરીથી ટ્રેનીંગ લેવી પડે તથા નાણાકીય અને પ્રમોશનના લાભનો નુકસાન થાય તેમ છે. સાથે સાથે કર્મચારીઓનું કહેવું છે કે, રેવન્યુ તલાટીના તે ૩૨૦૦ કર્મચારીઓને મર્જ કરવામાં આવે તો આવનારી ૬૦૦૦ લોકોની ભરતી બંધ કરી દેવામાં આવે. આ સિવાય બિનસચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી રહેલા આંદોલનકારીઓને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોએ પણ ટેકો જાહેર કર્યો છે. જેના કારણે રાજ્યભરમાં મહેસૂલી કામગીરી પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જો આ પડતર પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ ન આવે તો હડતાળ લંબાઈ પણ શકે છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ મહેસૂલી કર્મચારીઓના પગાર, પ્રમોશન તદુપરાંત વર્ષ ૨૦૧૭ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયેલ છે, પરંતુ ઈજાફા આપવામાં આવ્યા નથી તે સહિતના અસંખ્ય પ્રશ્નો ઉકેલવાની માંગણી કરી રહ્યા છે. રાજ્યના રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂલમાંથી રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા, કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવા, આવી ૧૭ માંગણીઓને લઇને રજૂઆતો કરાઇ પણ હજુ કોઇ ઉકેલ આવી શક્યો નથી. જેને પગલે હજારો કર્મચારીઓએ હડતાળ પાડી તંત્રની સાથે સાથે ખેડૂતો અને આમઆદમીને પણ જાણે બાનમાં લીધા હતા. આમ કરી મહેસૂલી કર્મચારીઓએ એક રીતે હડતાળનું શસ્ત્ર ઉગામી સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે.