(એજન્સી) તા.૧૧
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીની રૂા.ર૪ કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ પંજાબ નેશનલ બેંક સામે રૂા.૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચોક્સીની દુબઈ સ્થિત ત્રણ કોમર્શિયલ પ્રોપર્ટી, મર્સિડીઝ બેન્ઝ ઈ૨૮૦ કાર, એક ફિક્સડ ડિપોઝીટ એકાઉન્ટ અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે, “અત્યાર સુધી તેણે મેહુલ ચોક્સીની રૂા.૨૫૩૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ આ પણ કહ્યું હતું કે, મેહુલ ચોક્સીએ ગેરકાયદેસર રીતે રૂા.૬૦૦૦ કરોડથી વધારેની સંપત્તિ એકત્ર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોક્સીએ એન્ટિગુઆની નાગરિકતા મેળવી લીધી છે અને તે જાન્યુઆરી ર૦૧૮થી ત્યાં રહે છે.