(એજન્સી) મુંબઇ, તા. ૨૮
પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના હજારો કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી અને નીરવ મોદીનો મામા મેહુલ ચોકસીએ પોતાની સામે જારી કરાયેલા બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કરવા માટે એક ખાસ સીબીઆઇ અદાલતમાં અપીલ કરી છે. બિન-જામીનપાત્ર વોરન્ટ રદ કરવાની માગણી કરતા ભાગેડું આરોપી મેહુલે કહ્યું કે ભારતમાં મોબ લિંચિંગનું માહોલ હોવાથી તેના જીવ સામે ખતરો હોવાથી તે ભારત આવી શકતો નથી. દેશમાં હાલમાં ટોળાના હુમલાનો ટ્રેન્ડ વધી ગયો છે અને ટોળા દ્વારા રોડ પર ન્યાય આપવાનો પ્રયાસ ચાલુ હોવાથી તેને પોતાની હત્યાનો ડર છે. એક મામલામાં તો જેલમાં આરોપીને ઘેરીને મારી નાખવામાં આવ્યો હતો. ચોકસીએ અરજીના માધ્યમથી મુંબઇની ખાસ સીબીઆઇ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ચોકસીના વકીલ સંજય અબાટે ખાસ સીબીઆઇ કોર્ટના ન્યાયાધીશ જેસી જગદલે સમક્ષ આ અપીલ રજૂ કરી હતી. સુનાવણી બાદ કોર્ટે સીબીઆઇને મેહુલ ચોકસીની રજૂઆત અંગે પોતાનો જવાબ આપવાનું જણાવ્યું છે. આ મામલાની આગામી સુનાવણી ૧૧મી જુલાઇએ હાથ ધરવામાં આવશે. ખાસ સીબીઆઇ કોર્ટે ગયા મહિને પીએનબી કૌભાંડમાં રજૂ કરેલી બીજી ચાર્જશીટની નોંધ લઇને ચોકસી સામે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.
અપીલમાં ચોકસીએ એવો દાવો કર્યો છે કે પોતાના સ્વાસ્થાયને કારણે તે યાત્રા કરવાની સ્થિતિમાં નથી. નોંધનીય છે કેક સીબીઆઇની ખાસ કોર્ટે એપ્રિલ અને મે મહિનામાં મેહુલ ચોકસી સામે બે બિન-જામીનપાત્ર વોરન્ટ જારી કર્યા હતા અને મેહુલને પીએનબી કૌભાંડ કેસમાં કોર્ટ સમક્ષ હાજર નહીં થવા માટેના ૧૦ કારણ જણાવે. ચોકસીએ એવો દાવો કર્યો છે કે તેનો મામલો નીરવ મોદીથી સંપૂર્ણપણે અલગ છે.
દરમિયાન, આ કેસમાં અન્ય એક આરોપી મનીષ બોસમીયાએ સીબીઆઇએ આરોપી તરીકે તેની ધરપકડ કરી છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તેને ફરિયાદ પક્ષની ફરિયાદમાં સાક્ષી તરીકે નામ આપ્યું છે. ચોકસીએ કહ્યું કે તેણે ક્યારેય તપાસથી બચવાનો પ્રયાસ કર્યો નથી અને એજન્સીઓ તરફથી મળેલા બધા પત્રોનો જવાબ આપ્યો છે. તેનો મામલો નીરવ મોદીથી સંપૂર્ણપણે અલગ છે. ચોકસીએ એવું પણ કહ્યું કે ઇડીએ નીરવ મોદી સામે સીબીઆઇની પ્રથમ એફઆઇઆરને આધારે તેની સંપત્તિ ટાંચમાં લીધી હતી. જ્યારે તેનો આ મામલા સાથે કોઇ લેવા-દેવા ન હતો.

પીએનબી કૌભાંડ : ઇડીએ મેહુલ ચોકસી અને અન્ય ૧૩ સામે ચાર્જશીટ રજૂ કરી

(એજન્સી) મુંબઇ, તા. ૨૮
પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ મેહુલ ચોકસી અને અન્ય ૧૩ આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં પાંચ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી છે. મુંબઇમાં મનીલોન્ડરિંગ નિવારણ કાયદા (પીએમએલએ)ની ખાસ કોર્ટમાં પીએમએલએની કલમ ચાર હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ચાર્જશીટમાં સામેલ કરાયેલી પાંચ કંપનીઓમાં ત્રણ કંપનીઓ મેહુલ ચોકસીની છે. આ ત્રણ કંપનીઓ – ગીતાંજલિ જેમ્સ લિમિટેડ, ગિલી ઇન્ડિયા અને નક્ષત્ર બ્રાન્ડ્‌સ લિમિટેડ છે. આ ત્રણે કંપનીઓએ છેતરપિંડીથી ૩૦૧૧.૩૯ કરોડ રૂપિયા સુધીના એલઓયુ જારી કર્યા હતા. ગીતાંજલિ ગ્રુપની વિદેશની ઘણી ગૌણ કંપનીઓમાં દુબઇથી ફંડ્‌સ ટ્રાન્સફર કરાયા હતા. ચોકસીએ છેતરપિંડીથી મેળવેલા ફંડ્‌સનો તેની કંપનીઓ માટે ઉપયોગ કર્યો હતો. મેહુલ ચોકસી હાલમાં ભાગેડુ છે અને પોતે ક્યાં છે? તે જણાવવાનો તેણે ઇનકાર કર્યો છે. બુધવારે તેણે પોતાના વકીલના માધ્યમથી સીબીઆઇની ખાસ કોર્ટને જણાવ્યું હતું કે તેના જીવ સામે ભય હોવાથી હાલમાં તે ક્યાં છે, એ સ્થળની માહિતી આપી શકે નહીં અને તબીબી કારણસર તે યાત્રા કરી શકતો નથી. ચોકલીએ તેની સામેના વોરન્ટ્‌સ રદ કરવાની પણ માગણી કરી છે.