(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
અરબપતિ બિઝનેસમેન મેહુલ ચોકસીએ ભારતીય જેલોની ખરાબ સ્થિતિનો હવાલો આપતા પોતાના ભારત પ્રત્યર્પણનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, સીબીઆઈએ મેહુલ ચોકસી વિરૂદ્ધ ‘રેડ કોર્નર’ નોટિસ જાહેર કરવા માટે અરજી કરી હતી. મેહુલ ચોકસી પીએનબીની સાથે ૧૪ હજાર કરોડના લોન કૌભાંડના આરોપી છે. બિઝનેસ ટાઈફૂન વિજય માલ્યાની વિરૂદ્ધ ભારત પ્રત્યર્પણનો કેસ ચાલી રહ્યો છે. મેહુલ ચોકસીએ પણ ભારતમાં જેલોની ખરાબ સ્થિતિને લઈ ફરિયાદ કરી હતી. ચોકસી આ વખતે એન્ટીગુઆનો નાગરિક છે. નોંધનીય છે કે, કેરેબિયન દેશની નાગરિકતા આપતા પહેલા જ્યારે ચોકસીની પૃષ્ઠભૂમિની તપાસ માટે પૂછપરછ કરી હતી ત્યારે તે સમયે ભારતીય એજન્સીઓએ તેમની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની પ્રતિકૂળ અથવા તો વિપરીત સૂચના આપી ન હતી.
નામ ન જણાવવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, ચોકસીની દલીલના જવાબમાં સીબીઆઈએ કહ્યું કે, આ મામલે જે લોકો જેલમાં અથવા જમાનત પર બહાર છે એ લોકોએ ક્યારેય પણ આ મુજબની ફરિયાદ નથી કરી જેલોની બધી વ્યવસ્થા જેલ મેન્યુઅલના હિસાબથી કરવામાં આવી છે. એ અધિકારીએ કહ્યું કે, દરેક રાજ્ય અને દેશમાં માનવ અધિકાર આયોગ છે. કોઈપણ રીતે જો માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે તો આ સંસ્થાઓ તેની તપાસ કરશે. પીએનબી કૌભાંડ મામલે ગત સપ્તાહ બ્રિટન નીરવ મોદીને ત્યાં હાજર રહેવાની પૃષ્ટિ કરી હતી. મેહુલ ચોકસી નીરવ મોદીના મામા છે.
જ્યારે બ્રિટનની કોર્ટે જેલની સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યા તો સીબીઆઈએ ત્યાંના અધિકારીઓને જેલની વીડિયો મોકલી જ્યાં માલ્યાને રાખવામાં આવશે. વિજય માલ્યા પર ૧૭ બેંકોના ૯,૦૦૦ કરોડ ચૂકવવાના બાકી છે.