(એજન્સી) તા.રપ
બુધવારે મેજર ગોગોઈ સાથે શ્રીનગરની હોટલમાંથી પકડાયેલી છોકરીના પરિવારે બડગામના ચેક કવુસા વિસ્તારમાં આવેલો તેમનો ઘર છોડી દીધો હતો. આ પહેલાં એક સ્થાનિક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં છોકરીની માતાએ જણાવ્યું હતું કે, મેજર ગોગોઈ તેના સાથી સૈનિક સમીર માલા સાથે છેલ્લા બે મહિનામાં બે વખત તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. છોકરીની માતાએ કહ્યું હતું કે, તેઓએ અમને ધમકી આપી હતી કે અમે તેમની મુલાકાત વિશે કોઈને પણ જણાવીશું તો અમને ગોળી મારી દેવામાં આવશે. તેમણે પત્રકારને કહ્યું હતું કે અમે અત્યંત ગરીબ છીએ. ર૦૧૪ના પૂરમાં અમારું ઘર વહી ગયું હતું ત્યાર પછી અમે નવું ઘર બાંધી શકયા નથી. એક મોટા પરિવાર સાથે અમે કામચલાઉ ઊભા કરવામાં આવેલા આશ્રયસ્થાનમાં રહીએ છીએ. તેમણે કહ્યું હતું કે મારા પતિ રોજીંદુ કમાનાર મજૂર છે અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવા સખ્ત પરિશ્રમ કરે છે. છોકરીની માતાએ કહ્યું હતું કે, અમે ગરીબાઈ અને મુશ્કેલીમાં જીવન જીવી રહ્યા છીએ. અમારી છોકરી ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે અને પરિવારને મદદ કરવા ભરતકામ કરે છે.