(એજન્સી) તા.રપ
ગયા વર્ષે ફારૂક અહમદ દાર નામના કાશ્મીરી યુવકને જીપ આગળ બાંધી ચર્ચાસ્પદ બનેલા મેજર નીતિન લીતુલ ગોગોઈ હોટલ અને છોકરીના વિવાદમાં છે. હવે વધારે ઘેરાઈ ગયા છે. મેજર ગોગોઈ વિરૂદ્ધ ભારતીય સેનાએ કાર્યવાહી ઝડપી કરી દીધી છે. એક ન્યૂઝ એજન્સીએ ભારતીય સેનાના સૂત્રોના આધારે જણાવ્યું હતું કે, સેનાએ મેજર ગોગોઈ વિરૂદ્ધ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપી દીધો છે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં ભારતીય સેનાધ્યક્ષે આ વિશે સખ્ત ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, સેનામાં કોઈપણ રેન્કનો અધિકારી કશું પણ ખોટું કરતાં પકડાશે તો તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મેજર લીતુલ ગોગોઈ એક છોકરી સાથે હોટલના રૂમમાં જવા ઈચ્છતા હતા પરંતુ હોટલના સ્ટાફે વાંધો ઉઠાવ્યા પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ ઘટના ર૩ મે બુધવારની છે. ગુરૂવારે જમ્મુ-કાશ્મીર પોલીસે મેજર અને છોકરીનું નિવેદન પણ નોંધ્યું હતું. કાશ્મીર ખીણપ્રદેશની મુલાકાતે આવેલા સેનાધ્યક્ષે આ મુદ્દે કહ્યું હતું કે, જો ભારતીય સેનાનો કોઈપણ રેન્કનો અધિકારી ખોટું કરી રહ્યો છે અને અમને તેની જાણકારી મળશે તો તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જો મેજર ગોગોઈએ કશું ખોટું કર્યું હશે તો તેમને સજા આપવામાં આવશે અને તે સજા અન્યો માટે ઉદાહરણરૂપ હશે.
શું હતી સંપૂર્ણ ઘટના
બુધવારે શ્રીનગરના ડાલગેટ સ્થિત એક હોટલમાં પ્રવેશ મુદ્દે ગોગોઈ અને હોટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ હતી. કથિત રીતે મેજર ગોગોઈ એક કાશ્મીરી છોકરીને લઈ હોટલના રૂમમાં જવા માંગતા હતા. ગોગોઈએ હોટલમાં બે લોકો માટે એક રૂમ બુક કરાવ્યો હતો. પોલીસે મેજરનું નિવેદન નોંધ્યા પછી તેમને યુનિટમાં પાછા ફરવાની પરવાનગી આપી દીધી હતી. સૂત્રો પ્રમાણે ગોગોઈ પોલીસ સમક્ષ આ સ્પષ્ટ કરી શકયા ન હતા. તેમણે રૂમ શા માટે બુક કરાવ્યો હતો. આ ઉપરાંત એવા અહેવાલો પણ છે કે, છોકરીની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી છે.