અમદાવાદ,તા. ૨૭
શહેરના નરોડા મેમ્કો વિસ્તારમાં ટ્રેકટરના ફેરાના ઝઘડાની અદાવતમાં પિતા-પુત્રોએ ભેગા મળી એક યુવકને જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકી રહેંસી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવકની હત્યાના મામલે શહેર કોટડા પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના નરોડા રોડ પર આવેલી ધાબાવાળી ચાલી ખાતે અર્જનુભાઇ રતિલાલ ઓડ તેમની માતા અને ચાર ભાઇઓ સાથે રહે છે, તેમની પાડોશમાં ભાઇલાલભાઇ ઓડ પુત્રીઓ અને પુત્રો રવિ, મનીષ સાથે રહે છે. અર્જુનનો ભાઇ અશ્વિન ટ્રેકટરમાં માટીના ફેરાનું કામ કરે છે, ભાઇલાલભાઇને પોતાના બે ટ્રેકટર છે અને તેઓ પણ માટીના ફેરાનું કામ કરે છે. ભાઇલાલભાઇ અને અશ્વિનના માટીના ફેરાનું કામ એક જ સાઇટ પર ચાલે છે. દરમ્યાન ગઇકાલે બપોરે અશ્વિન માટીનો ફેરા માટે અશોક મીલની ચાલી પાસે ગયા ત્યારે ત્યાં ભાઇલાલભાઇની પત્ની અમરતબહેને તેની સાથે ઝઘડો કર્યો હતો, જેથી અશ્વિન ત્યાંથી ઘેર પરત આવી ગયો હતો. સાંજે અર્જુનભાઇ કામેથી પરત આવ્યા હતા અને તેઓ તેમના ભાઇ પૂનમ સાથે ચાલીના નાકે આવેલા મંદિર નજીક તેમના શેઠ પાસેથી પૈસા લેવા પહોંચ્યા હતા. એ જ વખતે ભાઇલાલભાઇ તેમના પુત્રો રવિ, મનીષ સાથે ત્યાં આવ્યા હતા અને બપોરે થયેલા ઝઘડાની અદાવતમાં અર્જુન અને તેમના ભાઇ પૂનમ સાથે મારામારી કરી હતી. એ દરમ્યાન ઉશ્કેરાઇ ભાઇલાલભાઇના પુત્ર રવિએ પોતાની પાસેથી છરી કાઢી પૂનમના પેટમાં ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. જેમાં પૂનમ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડયો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પૂનમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો પરંતુ ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના પગલે શહેર કોડટા પોલીસે જરૂરી ગુનો નોંધી આરોપી પિતા-પુત્રોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.