અમદાવાદ,તા.ર૬
હાલાઈ મેમણ મોટી જમાત અને ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન જે રીતે વર્ષોથી મેમણ સમાજને પ્રગતિના પંથે અગ્રેસર કરવા કાર્યરત છે તે બાબત સમાજ માટે તો ગૌરવરૂપ છે જ પરંતુ અન્ય સમાજના લોકો માટે પણ અમારી કામગીરી ખુબ જ પ્રેરણારૂપ બનશે એમ હાલાઈ મેમણ મોટી જમાતના પ્રમુખ ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના ઉપપ્રમુખ અને ઈન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઈઝેશનના બોર્ડ મેમ્બર તરીકે કાર્યરત જનાબ મોહમ્મદ શરીફ મેમણે ‘ગુજરાત ટુડે’ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
તેમણે ‘ગુજરાત ટુડે’ દૈનિક સાથે કરેલી વાતચીતનો ટૂંકો સાર જોઈએ તો હાલાઈ મેમણ મોટી જમાતની સ્થાપનાના વર્ષ ૧૯પરથી લઈ અત્યાર સુધીના સમયગાળામાં જમાતે સતત કાર્યરત રહી પ્રગતિના સોપાનો સર કર્યા છે. આ જમાત અને ફેડરેશન માત્ર મેમણ સમાજ માટે જ નહીં પણ તમામ માનવજાત માટે કાર્યરત છે જે તેની ખૂબી છે. ૧૯૬૪ના વર્ષમાં જમાત દ્વારા વડીલ આગેવાનોની રાહબરી હેઠળ કુરિવાજો દૂર કરવા માટેની એક મૂવમેન્ટ શરૂ કરી હતી. જેમાં જનાબ વી.એ. ઈસાણી સાહેબ એડવોકેટે એક બંધારણ બનાવ્યું હતું. જેને કારણે સમગ્ર જમાતે ધીમે ધીમે કુરિવાજો અને કુપ્રથાઓને તિલાંજલિ આપી પ્રગતિના સોપાનો સર કર્યા આજે પણ ૧૯૦૦થી પણ વધુ કુટુંબો જમાતના સભ્યો છે અને જમાતના બંધારણ મુજબ કાર્ય ચાલી રહ્યું છે. જમાતે સભ્યોના ડોનેશન થકી બે કોમ્યુનિટી હોલ બનાવ્યા. તેમજ જમાતના આર્થિક રીતે પછાત લોકો માટે ૧૦૦ મકાનની કોલોની જમાતના જકાત ફંડમાંથી બનાવી. તદ્‌ઉપરાંત સમાજના સારા-નરસા પ્રસંગો, તેમજ શિક્ષણ માટેના પ્રયાસો, ઈનામ વિતરણ, નોટબુક ચોપડીઓનું વિતરણ ફી સહાય તેમજ સમાજના દરેક પ્રગતિના કાર્યમાં જમાત કાર્યરત છે. સાથે જ મેડિકલ સહાય, વિધવા રોજગારી માટે સીલાઈ મશીનની સહાય, સ્વરોજગારી સહિતની કામગીરી પણ જમાત દ્વારા સતત થયા કરે છે ત્યાર બાદ જનાબ મોહમ્મદ શરીફ મેમણે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ ફેડરેશન આશરે પ૦૦ જેટલી જમાતો સૌથી મોટું ફેડરેશન છે તેનું વડુ મથક મુંબઈમાં છે. જે સમાજને સાચી દિશા બતાવી શ્રેષ્ઠતા તરફ અગ્રેસર કરી રહ્યું છે જેમાં રાજય કક્ષાથી લઈ શહેર, ગામ અને અંતરિયાળ વિસ્તારોમાં પણ પ્રતિનિધિઓ નિમાયેલા છે જે સમાજને સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક દરેક રીતે સંતુલિત બનાવી આગળ ધપાવવા પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે. આ માટે ફેડરેશનના પ્રમુખ જનાબ ઈકબાલભાઈ એચ. મેમણ (ઓફિસર) છેલ્લા ચાર વર્ષથી પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. જયારે આવનાર ચાર વર્ષ માટે પણ તેઓ જ બિનહરીફ પ્રમુખ તરીકે પસંદગી પામ્યા છે. આ અંગેની સત્તાવાર જાહેરાત આગામી ર૮ એપ્રિલના અમદાવાદના જુહાપુરા ખાતે મોહમ્મદ હુસેન ગાંધી હોલ ખાતે યોજાનાર ૩૭મી એજીએમ અને કન્વેન્શનમાં કરાશે. તેમણે ઈકબાલભાઈ ઓફિસરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ચાર વર્ષમાં તેમણે આશરે રપ કરોડથી વધુ રકમ ફંડ તરીકે એકઠી કરી ગરીબોને સહાય કરી છે. આ બાબત ફેડરેશનમાં તેમની વિશ્વસનીય કામગીરી અને ટીમવર્કની કદર દર્શાવે છે.
તેમણે ઈકબાલભાઈ ઓફિસર સાથે કદમથી કદમ મિલાવી કામ કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે હેરીટેજ સિટી અમદાવાદમાં યોજાનાર એજીએમ અને કન્વેન્શનને કે જેનું સમગ્ર આયોજન હાલાઈ મેમણ મોટી જમાત દ્વારા થવા જઈ રહ્યું છે ત્યારે આ અવસર પર જ. મોહમ્મદ શરીફ મેમણે જમાતના હોદ્દેદારો, સભ્યો અને સાથી મિત્રો તેમજ દરેક રીતે સહાયક સર્વની કામગીરીને બિરદાવી આભાર વ્યકત કરી સમાજને ઉન્નતિ અને પ્રગતિના પંથે લઈ જઈ અગ્રેસર થવા જણાવ્યું હતું.