(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
કેન્દ્રીય મહિલા તેમજ બાળ વિકાસમંત્રી મેનકા ગાંધીએ નાણામંત્રી પિયુષ ગોયલને કરવેરાના કાયદામાં સુધારો કરવાનો આગ્રહ કર્યો છે કે પત્નીઓ અને પુત્રવધૂઓને આપવામાં આવતી ભેટો પર કર ના લાગવો જોઈએ. મેનકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, એક સમાન તરીકે મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવી તે આપણી જવાબદારી છે. મહિલાઓ, ખાસ કરીને પત્નીઓ અને પુત્રવધૂઓ દ્વારા ઘણી બધીવાર વિનંતી કરાયા બાદ, મેં નાણામંત્રીને આવકવેરાના કાયદાની કલમ ૬૪ અંગે વિચાર કરવા અને યોગ્ય રીતે તેમાં સુધારો કરવાનો આગ્રહ કર્યો છે. આવકવેરાની કલમ ૬૪ હેઠળ જો કોઈ પતિ પોતાની પત્નીને ભેટ સ્વરૂપે સંપત્તિ આપે છે અને તે સંપત્તિમાંથી પત્નીને કોઈ આવક થાય છે તો તે આવકને પણ પોતાના કરમાં ઉમેરી દેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ સોમવારે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું, આ જોગવાઈ મૂળ રૂપે ૧૯૬૦ના દાયકામાં એ ધારણા હેઠળ ઘડવામાં આવી હતી કે, પત્નીઓ અને પુત્રવધૂઓ પાસે સામાન્ય રીતે કરને યોગ્ય કોઈ સ્વતંત્ર આવક નથી હોતી. જો કે, મેનકા ગાંધીએ કહ્યું કે, આ કાયદાનો પ્રતિકૂળ પ્રભાવ પડ્યો છે. કારણ કે વર્તમાન સમયમાં મહિલાઓ આર્થિકરૂપે વધુ સ્વતંત્ર થઈ રહી છે.
પત્નીઓ અને પુત્રવધૂઓને મળતી ભેટ પર કર ના લાગવો જોઈએ : મેનકા ગાંધી

Recent Comments