(એજન્સી) મેરઠ,તા.૧
થોડા દિવસ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની મારપીટનો ભોગ બનેલા યુવકે આક્ષેપ કર્યો હતો કે, તેને આરોપી અને તેના પરિવાર તરફથી સતત ધમકીઓ મળી રહી છે કે, તેઓ કોલેજ પર આવી તેની હત્યા કરી દેશે. તેણે કહ્યું હતું કે, હું કોલેજમાં જવા માગતો નથી. કારણ કે હું ખૂબ જ ભયભીત છું. મને આરોપી અને તેના પરિવાર તરફથી વારંવાર ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું હતું કે તેનું નિવેદન નોંધવા માટે હજી પોલીસે તેને ફોન કર્યો નથી અને તેને પોલીસ તરફથી રક્ષણ મળવાની કોઈ અપેક્ષા નથી. લગભગ અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં મેરઠ પોલીસના અધિકારીઓ આ યુવકની સ્ત્રી મિત્રને મુસ્લિમ યુવક પસંદ કરવા બદલ નિર્દયતાથી ફટકારતા દૃશ્યમાન થયા હતા. જયારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ આ યુવકના ઘરમાં ઘૂસી જઈ તેની સાથે મારપીટ કરી હતી.