(એજન્સી) મેરઠ, તા.૧પ
મેરઠ જિલ્લાના ઝહીદપુર ગામે રાત્રે સૂઈ રહેલા પરિવારના ૬ લોકોને જીવતા સળગાવી દેવાના પ્રયાસથી ચકચાર મચી ગયો છે. જેમાં ૪૦ વર્ષની મહિલા અને તેના પાંચ બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી ગયેલા ૧ શખ્સને દિલ્હી સારવાર માટે લવાયો છે. જેમની સ્થિતિ ગંભીર છે. રિપોર્ટ મુજબ અજાણ્યા તોફાનીઓએ ઝાહિદપુર ગામે એક પરિવારના ઘરમાં પાઈપ મારફતે પેટ્રોલ રેડી ઘરને આગ લગાડી હતી. બારીમાંથી ઘરમાં આગ ચાંપી દેતા સૂઈ રહેલ પરિવાર દાઝી ગયો હતો. ઘરની મહિલા રહેમીનના પતિનું આઠ વર્ષ પહેલા મોત થયું હતું. તે પાંચ બાળકોનું ગુજરાન ચલાવવા મજૂરી કરતી હતી. પોલીસે કહ્યું કે પરિવારે આ ઘટના બાબતે કોઈ કડી આપી નથી. તેમણે આગ લગાડતા કોઈને જોયા નથી. કોઈની સાથે દુશ્મની નથી. મહિલાની સ્થિતિ સુધર્યા બાદ તેની સાથે વધુ વાતચીત કરાશે. પાડોશી મહિલા ફાતિમાએ કહ્યું કે રહેમીન માત્ર ઘરમાં એક કમાઉ મહિલા હતી. તે બાળકોને સાચવતી હતી. ઘટના કેવી રીતે અને કેમ બની તેની જાણ નથી.