મિલાન,તા.૨૪
અર્જેન્ટીના અને બાર્સિલોના કલબના સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીને ફીફા મેન્સ બેસ્ટ પ્લેયર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. તેમણે યુવેંટ્‌સના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિવરપુરના વર્જિલ વોન જિકને પાછળ કરીને આ એવોર્ડ તેના નામે કર્યો છે. આ છઠ્ઠી વખત છે કે જ્યારે મેસીએ આ એવોર્ડ જીત્યો છે. અગાઉ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૫માં પણ તે બેસ્ટ પ્લેયરનો એવોર્ડ જીતી ચૂક્ય છે. અમેરિકન મેગન રેપિનોને સર્વશ્રેષ્ઠ ફુટબોલરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
મેસી માટે આ વર્ષ ખૂબ જ સારું રહ્યું. તેમણે બાર્સિલોનાને ‘લા લિગા’એવોર્ડ જીતાડ્યો. જ્યારે ચેમ્પિયન્સ લીગમાં પણ ટીમ સેમીફાઈનલ સુધીની સફર ખેડી હતી. ૨૦૧૮-૧૯ની સિઝનમાં મેસી દેશ અને ક્લબ માટે કુલ ૫૮ ગેમ્સ રમ્યા. આ દરમિયાન તેમણે ૫૪ ગોલ કર્યા, જયારે રોનાલ્ડોએ આ દરમિયાન ૪૭ મેચ રમી અને ૩૧ ગોલ કર્યા.
લિવરપૂલના મેનેજર જર્ગેન ક્લોપને આ વર્ષે મેન્સ કોચ એવોર્ડ આપવામાં આવ્યો. લિવરપૂલે આ વર્ષે તેમના કોચિંગમાં ટોટેનહેમને હરાવીને ચેમ્પિયન્સ લીગનો એવોર્ડ જીત્યો. તેની સાથે જ મેન્ચેસ્ટર સિટીના મેનેજર પેપર ગાર્ડિયોલા અને ટોટેનહેમના મોરિસિયો પોચેટિનો પણ એવોર્ડ માટે નામાંકિત હતા. જોકે ટીમના સારા પ્રદર્શનના આધાર પર ક્લોપને બેસ્ટ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. એવોર્ડ લીધા બાદ ક્લોપે કહ્યું કે ૨૦, ૧૦ કે ૫ વર્ષ પહેલા પણ કોઈને આશા નહિ હોય કે હું આ એવોર્ડ લેવા માટે ઉભો થઈશ. હું મારા ક્લબનો આભાર માનું છું.