અમદાવાદ,તા. ૨૬
અમદાવાદ શહેરને ગ્રીન સીટી બનાવવાના બણગાં ફુકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓના આવા પોકળ દાવાઓ વચ્ચે મેટ્રો રેલ પ્રોજેકટના ઓઠા હેઠળ ગઇકાલે મોડી રાત્રે શહેરના હેલ્મેટ સર્કલથી સ્ટેડિયમ રોડ સુધીના પટ્ટામાં રાત્રિના અંધકારમાં મોટાપાયે હરિયાળા ઘટાદાર વૃક્ષોનું આડેધડ છેદન કરી નાંખવામાં આવતાં પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. પ્રકૃતિ પ્રેમીઓએ મોટાપાયે વૃક્ષોના નિકંદનની ઘટનાને વખોડી કાઢતાં ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે, પ્રકૃતિનો નાશ કરીને ઉભો કરાતો વિકાસ કેવો અને આવો વિકાસ કરીને પણ શું કરવાનું ? મેટ્રો રેલના પ્રોજેકટ હેઠળ છાશવારે વૃક્ષછેદન અને વૃક્ષોના નિકંદનને લઇ ખુદ અમ્યુકો સત્તાવાળાઓ અને મેટ્રો રેલ પ્રોજેકટના સત્તાધીશો અજાણ હોવાનો ડોળ કરીને સમગ્ર વિવાદ અંગે અજાણ બની રહ્યા છે, જેને લઇને સત્તાધીશોના આવા બેવડા વલણની પણ ભારોભાર ટીકા થઇ રહી છે. રાજ્ય સરકારના મહત્ત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેકટ માટે શહેરભરમાં ઠેર ઠેર લોખંડના પતરાંની આડશ મૂકીને રસ્તાને સાંકડા કરી દેવાયા છે. જ્યાંથી મેટ્રો રેલ પસાર થવાની છે તે વિસ્તારના સર્વિસ રોડ બદતર હાલતમાં મુકાયા છે. હાઇકોર્ટ દ્વારા પણ વાહનચાલકોને માટે ભયજનક બનેલા આવા રસ્તાના રિપેરિંગ માટે સત્તાવાળાઓને વારંવાર ટકોર કરાય છે. તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રો રેલ દોડતી કરવા અમદાવાદને ગ્રીન સિટી બનાવવાનાં ફુંકાતાં બણગાંની વચ્ચે આડેધડ રીતે લીલાંછમ વૃક્ષોનું નિકંદન કઢાઇ રહ્યું છે. બીજી તરફ મેગા કંપનીના સત્તાવાળાઓના કારણે ઠેક ઠેકાણે રસ્તા સાંકડા થવાથી ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બની છે. ત્યારે મેટ્રો રેલ પ્રોજેકટના નિર્માણમાં અનેક ઘટાદાર વૃક્ષ આડે આવતાં હોવાનું કારણ આગળ ધરીને આવા વૃક્ષોનું આડેધડ નિકંદન કરાઇ રહ્યું છે. ગઇકાલે અડધી રાત્રે હેલ્મેટ ક્રોસ રોડથી સ્ટેડિયમ સુધીના રસ્તા પરનાં સંખ્યાબંધ વૃક્ષોનો સોથ વાળી નંખાયો હતો. મેગા કંપનીના સૂત્રો કહે છે, ‘મેટ્રો રેલ પ્રોજેકટ હેઠળ કોર્પોરેશન પાસેથી અગાઉથી વૃક્ષ છેદનની મેળવેલી મંજૂરીના આધારે જે તે વિસ્તારના કોન્ટ્રાકટર દ્વારા વૃક્ષ કપાતાં હોય છે, પરંતુ ગઇ કાલે અડધી રાત્રે કેટલાં વૃક્ષ કપાયાં તેની માહિતી નથી.’ બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો કહે છે કે, ‘મેટ્રો રેલ પ્રોજેકટ માટે મેગા કંપનીને કુલ રર૦૦ વૃક્ષ કાપવાની મંજૂરી અપાઇ છે. જે પૈકી ૯૮પ વૃક્ષ કપાયાં છે. આ તમામ વૃક્ષને મેગા કંપની જ કાપી રહી છે. જોકે ગઇ કાલની વૃક્ષ છેદનની ઘટના અંગે તંત્રને જાણ નથી.’ દરમ્યાન આ પ્રકારે આડેધડ વૃક્ષનિકંદનને લઇ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે.