લાસવેગાસ, તા.૨૭
અમેરિકાના પ્રોફેશનલ અપરાજિત બોક્સર ફ્લાયડ મેવેદરે ફરી એકવાર પોતાની કુશળતા સાબિત કરીને ક્યારે પણ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. મિક્સ્ડ માર્શલ આટ્‌ર્સ ચેમ્પિયન કોનોર મેકગ્રેગરને ૧૦ રાઉન્ડમાં હાર આપીને મેવેદરે હજુ સુધીની સૌથી મોંઘી ફાઇટ જીતી લીધી હતી. ૩૮૪૦ કરોડ રૂપિયા દાવ ઉપર હતા. હાર અથવા જીતની સ્થિતિમાં ઓછામાં ઓછા ૫૦૦ કરોડ રૂપિયા તો મળી જ ગયા હતા. વિજેતા બનેલા મેવેદરને વિનિંગ બેલ્ટ તરીકે મગરના ચામડાથી બનેલી બેલ્ટમાં ૩૩૬૦ હીરા, ૬૦૦ નિલમ અને ૩૦૦ પન્ના જોડાયેલા છે. આ ઉપરાંત આ બેલ્ટમાં ૧.૫ કિલોગ્રામ સોનું લગાવવામાં આવ્યું છે. આ હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ફાટિ ટી મોબાઇલ એરેનામાં લાસવેગાસમાં યોજાઈ હતી. ફાઇટ માટેની કેટલીક સીટો છ-છ લાખ રૂપિયામાં વેચાઈ હતી. દુનિયાની સૌથી મોંઘી ફાઇટ અમેરિકાના લોકપ્રિય શહેર લાસવેગાસમાં યોજાઈ હતી. આ મુકાબલાની ટિકિટો, ટીવી પ્રસારણ, સ્પોન્સરશીપને મળીને ૩૮૪૦ કરોડ રૂપિયાની આવક થઇ હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, આ અગાઉ ક્યારે પણ આટલી મોંઘી ફાઇટ થઇ નથી. મની નિકનેમથી લોકપ્રિય મેવેદરે પહેલા રિટાયર્ડમેન્ટ પણ લઇ લીધું હતું પરંતુ ફરી એકવાર વાપસી કરી હતી. મેવેદરે છેલ્લા બે વર્ષમાં કોઇપણ ફાઇટ રમી નથી જ્યારે બીજી બાજુ મેકગ્રેગરે છેલ્લી ફાઇટ ૨૦૧૬ના અંતિમ ગાળામાં લડી હતી. અનુભવ ઉપર નજર કરવામાં આવે તો મેવેદર પહેલાથી જ હોટફેવરિટ તરીકે હતો. મેવેદર બોક્સિંગના ઇતિહાસ સૌથી ડિફેન્સીવ બોક્સરોમાં ગણવામાં આવે છે. કેરિયરની ૪૯ મેચો પૈકી ૨૬ મેચો નોકઆઉટના આધાર પર જીતી છે. આ જીતની સાથે જ મેવેદર દુનિયાના પ્રથમ એવા બોક્સર બનવામાં સફળતા મેળવી છે જે બોક્સરે ૫૦ ફાઇટ લડ્યા સુધી એક પણ ફાઇટ હારી નથી. પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન મેવેદરે આ જીતની સાથે જ પ્રોફેશનલ બોક્સિંગથી પોતાની નિવૃત્તિની જાહેરાત પણ કરી દીધી હતી. મેવેદરને પહેલાથી જ ફેવરિટ તરીકે ગણવામાં આવી રહ્યો હતો. બંને દિગ્ગજો વચ્ચે થનાર ફાઇટ માટેની જાહેરાત બે મહિના પહેલા જૂનમાં કરવામાં આવી હતી. ૧૨ રાઉન્ડના આ મુકાબલાને મેવેદરે ૧૦ રાઉન્ડમાં જ જીતી લીધો હતો. આ ફાઇટમાં મેવેદર ઉપર ૬૦૦ મિલિયન ડોલર અથવા તો ૩૮૩૨ કરોડ રૂપિયા દાવ ઉપર હતા. એમએમએ અલ્ટીમેટ ફાઇટિંગ ચેેમ્પિયનશીપના મુખ્ય કારોબારીના કહેવા મુજબ આ પ્રથમ એવી ફાઇટ હતી જેના ઉપર આટલા જંગી નાણા લગાવવામાં આવ્યા હતા. આશરે એક અબજ લોકોએ ટીવી અને ઇન્ટરનેટ ઉપર આ દિલધડક ફાઇટિંગનું પ્રસારણ નિહાળ્યું હતું. મેવેદર આ પહેલા ૪૯ ફાઇટ પોતાના નામ ઉપર કરી ચુક્યો છે. પ્રોફેશનલ બોક્સિંગમાં એન્ટ્રી કર્યા બાદથી મેવેદરે એક પણ ફાઇટ ગુમાવી નથી.
સૌથી મોંઘી ફાઇટ…….

લાસવેગાસ, તા. ૨૭
વિશ્વની સૌથી મોંઘી ફાઇટમાં મેવેદરે મેકગ્રેગર ઉપર ૧૦ રાઉન્ડમાં જીત મેળવી હતી. આ ફાઇટની વિશેષતા નીચે મુજબ રહી.
ફાઇટ માટે સ્થળ લાસવેગાસ
ફાઇટ માટે સેન્ટર ટી મોબાઇલ એરેના
રાઉન્ડની ફાઇટ ૧૨
મેવેદરની જીત ૧૦ રાઉન્ડમાં
કરોડ દાવ પર હતા ૩૮૩૨
લોકોએ મેચ નિહાળી ૧ અબજ
હાર-જીત પર રકમ ૫૦૦ કરોડ
વિનિંગ બેલ્ટ ૩૩૬૦ હીરા, ૧.૫ કિલો સોનું
ટિકિટની કિંમત બોલાઈ ૬ લાખ
મેવેદરે સતત ફાઇટ જીતી ૫૦
મેવેદર વર્લ્ડ ચેમ્પિયન રહ્યો ૦૫