જરૂર પડશે તો ભારત એકવાર ફરીથી પાક.ને  ધૂળ ચટાડવા તૈયાર છે

 

નવી દિલ્હી,તા.૪

ભારત વિરૂદ્ધ જાવેદ મિયાંદાદની ટિપ્પણી પર બીસીસીઆઈ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું કે પાકિસ્તાનનો આ પૂર્વ ક્રિકેટ કપ્તાન લડાઈના મેદાન અને ક્રિકેટના મેદાન પર પોતાના દેશની હાર અને જીતના રેકોર્ડથી અત્યારસુધી આઘાતમાં છે. ભારતની સર્જિકલ સ્ટ્રાઈક બાદ મિયાંદાદે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ જંગ માટે પૂરી રીતે તૈયાર છે. ઠાકુરે કહ્યું કે પાકિસ્તાન અત્યાર સુધી ૧૯૬પ, ૧૯૭૧ અને કારગિલની લડાઈમાં ભારત સામેના પરાજયના આઘાતમાંથી બહાર આવ્યો નથી. મિયાંદાદની સાથે પણ આવું છે જે વિશ્વકપ ઈતિહાસમાં એકવાર પણ ભારતને નહીં હરાવવાના આઘાતમાં છે. જો જરૂર પડશે તો ભારત એકવાર ફરી પાકિસ્તાનને ધૂળ ચટાડવા તૈયાર છે. પછી તે જંગનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન. મિયાંદાદ પર નિશાન સાધતા ઠાકુરે કહ્યું કે આ પૂર્વ કપ્તાને પોતાના સગા અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને બહાર નીકળવા માટે કહેવું જોઈએ. મિયાંદાદ જો પોતાના લોકોને લઈ આટલા આશ્વસ્ત છે તો તેણે દાઉદને ભારત પરત આવવા કહેવું જોઈએ. તે આવું કેમ કરતો નથી. અમે હંમેશા પાકિસ્તાનને હરાવ્યું છે અને ભવિષ્યમાં આવું ફરીથી કરીશું.