(એજન્સી)
કોલકાતા, તા. ૧૭
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં જ્યારે પીએમ મોદી સભા સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ભાજપના સમર્થકોએ ડઝન જેટલા પોલીસ કર્મીઓ સાથે બેરહેમીથી મારઝૂડ કરી હતી. ચૂંટણીના માહોલ દરમિયાન આયોજિત કરાયેલી આ રેલીમાં ભાજપના સમર્થકો બસોમાં સવાર થઇ પહોંચી રહ્યા હતા પરંતુ સભા સ્થળથી કેટલેક દૂર જ પોલીસ કર્મીઓએ તેમને રોક્યા હતા અને આગળ ચાલતા જવા કહ્યું હતું. આનાથી નારાજ સમર્થકોએ ડંડા અને ચપ્પલોથી પોલીસ કર્મીઓને બેરહેમીથી માર્યા હતા. આ ઉપરાંત વર્દી પહેરેલા સિવિલ વોલેન્ટિયરો પર પણ હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે જ્યારે વોલેન્ટિયરો ભાગવા લાગ્યા ત્યારે તેમનો પીછો કરી ડંડાથી માર મારવામાં આવ્યો હતો.
અહેવાલો અનુસાર ભાજપ સમર્થકોની મારઝૂડને કારણે કેટલાક પોલીસ કર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેમને ઘટનાની જાણ થઇ છે. તેમણે આ ઘટના અંગે કોઇ ટીપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી તરફ રાજ્યમાં ભાજપના અધ્યક્ષ દીલીપ ઘોષે સમર્થકોના આ વર્તન અંગે ખેદ વ્યક્ત કર્યો છે પરંતુ તેમણે કથિત રીતે આ ઘટનાનો એમ કહીને બચાવ કર્યો હતો કે, મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી પોલીસ ટ્રાફિકને આગળ વધારવામાં અસમર્થ નિવડી રહી હતી. ત્યારબાદ પાર્ટીના સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું. તેમણે સારો વ્યવહાર કર્યો નથી પણ આ ઘટના થવી જોઇતી નહોતી. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા દીલીપ ઘોષે જલપાઇગુડી પોલીસ સ્ટેશન નજીક એક વિરોધ પ્રદર્શન દરમિયાન કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સત્તામાં આવ્યા બાદ પોલીસ કર્મીઓને સબક શીખવાડશે. આ દરમિયાન તેમણે પોલીસ કર્મીઓ ઉપરાંત ટીએમસીના એક નેતાનું નામ આપીને ચેતવણી આપી હતી. ત્યારે તેઓ બીરભૂમ જિલ્લાના ટીએમસી પ્રમુખ અનુબ્રતા મંડલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ચૂંટણી પહેલા મંડલ પર એમ કહેવાનો આરોપ લાગ્યો હતો કે, જો તમે પોલીસને વિપક્ષના લોકોની મદદ કરતા જુઓ તો તેમના પર બોમ્બ ફેંકી દેજો. ત્યારબાદ પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી હતી.