ઈસ્લામાબાદ, તા.૨૧
ન્યૂઝીલેન્ડના પૂર્વ કોચ માઈક હેસને પાકિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ બનવા માટે ના પાડી દીધી છે. વર્લ્ડકપ ૨૦૧૫માં રનરઅપ રહેલી કિવિઝનો કોચ હેસન હતો. તાજેતરમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે જે ૬ નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાં હેસન પણ શામેલ હતો. મીડિયા રિપોટ્‌ર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે હેસનને ફક્ત ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવામાં રસ હતો. જોકે બીસીસીઆઈએ ફરી એક વખત રવિ શાસ્ત્રીને પસંદ કર્યો હતો. હેસનને પાકિસ્તાન સિવાય બાંગ્લાદેશના મુખ્ય કોચ બનવા માટેની ઓફર પણ ઠુકરાવી હતી.
રિપોટ્‌ર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે હેસન હવે કોઈ પણ ટીમને ફુલટાઇમ કોચિંગ આપવા માગતા નથી. તેની પ્રાથમિકતા ટીવી કોન્ટ્રાક્ટ્‌સ પૂરા કરવાની છે. તે ૬ વર્ષ સુધી ન્યૂઝીલેન્ડનો કોચ રહ્યો હતો. તેણે ૨૦૧૮માં પારિવારિક કારણોસર કિવિઝના કોચ પદેથી રાજીનામુ આપ્યું હતું.
વર્લ્ડકપ ૨૦૧૯માં ખરાબ દેખાવ બાદ મિકી આર્થરને કોચ પદેથી હટાવ્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજી સુધી નવો કોચ શોધી શક્યું નથી. રિપોટ્‌ર્સ અનુસાર કોઈ વિદેશી કોચ પાકિસ્તાનને કોચિંગ આપવામાં રસ લઇ રહ્યું નથી. દેશના મોટા અને પૂર્વ ખેલાડીઓ ટીવી પર વ્યસ્ત છે. તેથી તેઓ આ જવાબદારી લેવા ઇચ્છતા નથી.