(એજન્સી) આગ્રા, તા.૧
પૂર્વ હેવી વેટ બોક્સર ચેમ્પિયન માઈક ટાયસની પત્ની લાકિયા સ્પાઈસર સાથે રવિવારે આગ્રા સ્થિત તાજમહેલની મુલાકાત લીધી હતી. તાજમહેલમાં પ્રવેશતા જ ટાયસનના મુખમાંથી ‘શાનદાર’ એવો શબ્દ સરી પડ્યો હતો. માઈક ટાયસન તાજમહેલને જોઈને એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે, તાજમહેલ પરિસરની અંદર પ્રવેશતા જ તેમનાથી તાજમહેલ માટે ‘શાનદાર’ શબ્દ પ્રયોજાઈ ગયું હતું. તેમણે તાજમહેલના સાંન્દિયમાં પ૦ મિનિટથી વધુ સમય વિતાવ્યો અને તાજમહેલનો ઈતિહાસ જાણવા પણ ઘણી ઉત્સુકતા દર્શાવી. તેમણે તાજમહેલ અંગે ગાઈડને અનેક પ્રશ્નો પૂછ્યા. આ દરમિયાન વિદેશી પર્યટકો અને ઓટોગ્રાફ લેનારાઓએ તેમની આસપાસ વીંટળાઈ વળ્યા હતા. માઈક ટાયસન અને તેમની પત્ની મુંબઈથી સપા નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે આગ્રા પહોંચ્યા હતા. ઉત્તરપ્રદેશના પૂર્વ રમતગમત મંત્રી રામ સકલ ગુર્જર, વિનય પ્રતાપસિંહ ચૌહાણ, કેવીએસ પરમાર, સંજય ચૌહાણે માઈક ટાયસનને આવકાર્યા હતા.