(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
મિલકતની લે-વેચને હાલમાં આધારકાર્ડથી ફરજિયાતપણે જોડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો. મંગળવારે શહેરી રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ લોકસભામાં લેખિત જવાબ આપ્યો હતો કે રાજ્યોને આ પ્રકારના સૂચનો કરાયા હતા પણ હાલમાં એવો કોઈ પ્રસ્તાવ નથી. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે સલાહ આપી હતી કે રજિસ્ટ્રેશન એક્ટ ૧૯૦૮ની જોગવાઈઓ હેઠળ મિલકતની ખરીદીને આધાર સાથે જોડવું જોઈએ. કેન્દ્રીય મંત્રીના આ જવાબને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં એમણે કહ્યું હતું કે બેંક ખાતાઓની જેમ આને મિલકતોના બજાર માટે પણ લાગુ કરવો જોઈએ. આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ કહ્યું હાલમાં મિલકતના વહેવારોને આધારકાર્ડ સાથે ફરજિયાત જોડાવવાનો કોઈ પ્રસ્તાવ નથી. સાંસદે પ્રશ્ન પૂછયું હતું કે સરકારની આ બાબતે શું વિચારણા છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ થોડાદ દિવસો પહેલાં બેનામી મિલકતોને લક્ષ્ય બનાવવા આ વાત કરી હતી. જેથી મિલકતોની ખરીદીને આધાર સાથે જોડવાની વાતો શરૂ થઈ હતી.