અમદાવાદ,તા.૧૩
દેશમાં સૌથી વધુ પથરાયેલી ઔકાફની મિલકતો છે. જેના રક્ષણની જવાબદારી આપણા સૌની છે કારણ કે, હાલ દેશભરમાં ઔકાફની મિલકતો પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એમ ઓલ ઈન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં ઓલ ઈન્ડિયા ઉલમા બોર્ડના જનરલ સેક્રેટરી અલ્લામા નઈમ બુનઈ હસનીએ જણાવ્યું હતું.
અલ્લામા નઈમ બુનઈ હસનીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ સમાજની પ્રગતિ માટે શિક્ષણ અતિ આવશ્યક છે. મુસલમાનોએ દિન અને દુનિયાનો સંગમ કરી દુનિયા અને આખેરત બંનેમાં કામિયાબી મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. સચ્ચર સમિતિના અહેવાલને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે રિપોર્ટ મુજબ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ સૌથી વધુ પછાત છે આથી સમાજના બૌદ્ધિકોએ આગળ આવી સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા પ્રયત્નો કરવા જોઈએ. ઓલ ઈન્ડિયા ઉલમા બોર્ડના રાષ્ટ્રીય સેક્રેટરી મૌલાના મહેંદી હસને જણાવ્યું હતું કે ઔકાફની મિલકતોનું રક્ષણ કરવા દેશભરમાં ઉલમા બોર્ડની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. આ ટીમે સામૂહિક પ્રયત્નો કરી સર્વમાન્ય નિર્ણય લેવા જોઈએ. કોઈપણ સભ્યએ જે તે બેઠકમાં પોતાની વાત ઠોકી બેસાડવાના પ્રયત્નો કરવા ન જોઈએ. ઓલ ઈન્ડિયા ઉલમા બોર્ડના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના ન્યાઝ અહેમદ કાસમીએ જણાવ્યું હતું કે ઉલમા બોર્ડનો હેતુ ઔકાફની મિલકતોનું રક્ષણ કરવાનો છે. સાથે-સાથે સમાજના તમામ ફિરકાઓના લોકોને સાથે રાખી કામ કરવાનો છે, જેથી સમાજમાં એકતા જળવાઈ રહે. મૌલાના અબ્દુલ સલામ કાસમીએ જણાવ્યું હતું કે ઔકાફની બચેલી મિલકતોનું રક્ષણ કરવામાં આવશે તો જ સાચા અર્થમાં સમાજ સેવા કરી ગણાશે અને સમાજ પ્રગતિ કરી શકશે ગુજરાતમાં ઔકાફની મિલકતોનો પ્રમુખ મુફીસ અહમદ અન્સારી કાયદાકીય કામગીરી દ્વારા ઉકેલ લાવશે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.