(એજન્સી)
હૈદરાબાદ, તા. ૧૯
તેલંગાણા રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ કેપ્ટન ઉત્તમ કુમાર રેડ્ડીએ આ વખતે જાહેરાત કરી છે કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં એમઆઇએમને હરાવવાના ઉદ્દેશ સાથે જૂના હૈદરાબાદ શહેરમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતારશે. આ વખતે એમઆઇએમે ટીઆરએસને સમર્થન આપ્યું હોવાથી કોંગ્રેસે જૂના શહેરમાં મજબૂત ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એમઆઇએમના વક્તાઓ દ્વારા કરવામાં આવતા બિનસંસદીય ભાષાના ઉપયોગનો સામનો કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા એક ખાસ વ્યૂહરના ઘડી કાઢવામાં આવી છે. જૂના શહેરની વિધાનસભા સીટ જીતવા માટે કોંગ્રેસે વ્યૂહરચના પણ ઘડી કાઢી છે. ૨૦મી ઓક્ટોબરે સાંજે ૬ વાગે ચારમીનારના પગથિયા ખાતે સદ્‌ભાવના મેમોરિયલ સમિતિની સભાને સંબોધન કરીને એઆઇસીસીના પ્રમુખ રાહુલ ગાંધી તેલંગાણામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. નોંધનીય છે કે ૧૯૯૦ની ૨૦મી ઓક્ટોબરે કોમી એખલાસ જાળવી રાખવા માટે રાજીવ ગાંધીએ ચારમીનારથી સદ્‌ભાવના યાત્રા શરૂ કરી હતી. દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સર્વેમાં એવો ઘટસ્ફોટ કરાયો છે કે એમઆઇએમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જૂના શહેરના લોકોની ફરિયાદો દૂર કરવા તરફ કોઇ ધ્યાન આપતા નથી. સર્વેમાં એવો પણ ઘટસ્ફોટ કરાયો છે કે જૂના શહેરના સાત વિધાસનભા મતવિસ્તારમાં ગત ચૂંટણીઓમાં મતદાન ૪૭થી ૬૦ ટકા રહ્યું હતું. તેનો એવો અર્થ થાય છે કે ૪૮ ટકા મતદાતાઓએ મતદાન કર્યુ ં ન હતું. એમઆઇએમને દરેક મતવિસ્તારમાં માત્ર ૩૦ ટકા મત મળ્યા હતા. આ સર્વે સ્પષ્ટપણ દર્શાવે છે કે દિવસેને દિવસે એમઆઇએમની લોકપ્રિયતા ઘટી રહી છે. મલકપેટ, ચારમીનાર અને બહાદુરપુરા વિસ્તારોમાં કોંગ્રેસના પરફોર્મન્સમાં સુધારો થયો છે.