(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૦
શહેરના વરાછા મીનીબજારના હીરા વેપારી સાથે રૂપિયા ૧.૧૮ કરોડના હીરાની ઠગાઈ કરનાર વેપારી સામે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ભાવનગરના વતની અને પૂણા સીમાડા રોડ પંચવટી સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ મૂળજીભાઈ વઘાસિયાએ આરોપી હીરા દલાલ અલ્પેશ વિનુભાઈ માવાણી (રહે. સાંસ્કૃતિક રેસિડેન્સી, મોટા વરાછા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવા મુજબ ફરિયાદીએ વરાછા મિનિબજાર પ્રિન્સેસ પ્લાઝામાં પરફેક્ટ જ્વેલર્સ પ્રા.લિ. નામની હીરાની ઓફિસમાં હીરા દલાલ કિરીટભાઈ ગુજરાતી મારફતે આરોપી અલ્પેશ પિન્ટુભાઈ માવાણીને રૂપિયા ૧,૪૩,૦૨,૬૦૭ની કિંમતના રફ હીરાનું વેચાણ કર્યું હતું. સમયસર પેમેન્ટ ચૂકવી આપવાનો ભરોસો આપ્યા બાદ આરોપીએ માત્ર રૂપિયા ૨૫ લાખ આપ્યા બાદ બાકીનું રૂા.૧,૧૮,૦૨,૬૦૭નું પેમેન્ટ ચૂકવ્યું ન હતું તેમજ ભાડાની ઓફિસ, હીરાનું કારખાનું બંધ કરી ફરાર થઈ ગયો હતો. આખરે ઘનશ્યામભાઈ વઘાસિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પો.ઈ. સી.કે.પટેલે તપાસ હાથ ધરી છે.