(એજન્સી) સિંગાપુર, તા.૧૧
સિંગાપુરમાં બે કિલોમીટરના વિસ્તારમાં આવેલ ‘મીની ભારત’માં ભારતીયોની અનેક દુકાનો છે અને ભારતીય બજારોમાં વેચાતી તમામ વસ્તુઓ ત્યાં મળી રહે છે અહીં સૌથી વધુ તામિલનાડુના લોકોની સંખ્યા છે. ૧પ વર્ષ પહેલાં તામિલનાડુથી આવી બેસ પ્રકાશે એક રેસ્ટોરા શરૂ કરી હતી. હવે બે કિલોમીટરના વિસ્તારમાં અહીં ૩૦૦ ભારતીય રેસ્ટોરા છે. તેમણે જણાવ્યા અનુસાર આટલા નાનકડા વિસ્તારમાં આટલી સંખ્યામાં ભારતીય રેસ્ટોરા ભારત સિવાય માત્ર અહીં જ જોવા મળશે. સિંગાપુરની પપ લાખ વસ્તીના ૭ ટકા લોકો તમિલ છે. નોંધનીય છે કે તમિલ ભાષા સિંગાપુરની સરકારી ભાષાઓમાંની એક છે. અહીં મંત્રીમંડળના કેટલાક મંત્રીઓ પણ તમિલ છે જેમ કે વિદેશમંત્રી વિવિયન બાલાકૃષ્ણન તમિલ લોકો બાદ અહીં ભારતીય મૂળના લોકોમાં તેલુગુ અને પંજાબી ભાષીઓની સંખ્યા વધુ છે. સિંગાપુરની અર્થવ્યવસ્થામાં ભારતીયોનું નોંધપાત્ર યોગદાન હોવા છતાં આવનાર દિવસોમાં યોજાનાર ઐતિહાસિક શિખર સંમેલન જેમાં ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત કરનાર છે તે અંગે ભારતીયોમાં કોઈ ઉત્સાહ જોવા મળી નથી રહ્યો. સરકારે પોતાની રીતે તમામ તૈયારીઓ કરી રાખી છે. શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર વિશ્વમાંથી લગભગ રપ૦૦ પત્રકારો આ પરિષદના અહેવાલ માટે આવી પહોંચ્યા છે.