ના. મુખ્યમંત્રી સાથેનો બનાવ બાદ બીજી ઘટના બનતા તેની ગંભીરતા જોતા નિર્ણય

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.પ

ગુજરાત વિધાનસભામાં રાજ્યના મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકનાર સરકારી કર્મચારી રાજ્યભરમાં ચર્ચાની એરણે છે. તેની સાથે પોલીસ રિમાન્ડની કામગીરી પૂર્ણ થતાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. ત્યારે બીજી તરફ સરકારી રાહે તેની સામે કડક પગલા લેવાની જે હિલચાલ આદરવામાં આવી હતી તેમાં આખરે તેની સામે કડક નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા ગોપાલ ઈટાલિયાને તેમની સરકારી ફરજમાંથી ડિસમીસ કરવાના આદેશો કલેક્ટર દ્વારા જારી કરવામાં આવતા ચર્ચા શરૂ થઈ જવા પામી છે. રાજ્યની ભાજપ સરકાર સામે રોષ ઠાલવવાના ભાગરૂપે કે પછી માનસિક વિકૃતિના કારણસર ગોપાલ ઈટાલિયાએ અગાઉ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરી પોલીસ કોન્સ્ટેબલની ઓળખ આપી સરકારી કર્મચરીઓના મુદ્દે વાણીવિલાસ કર્યો હતો અને તે અંગેની ઓડિયો પણ વાયરલ કરી હતી. વિધાનસભામાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મીડિયાને બાઈટ (પોતાના પ્રતિભાવો) આપી રહ્યા હતા ત્યારે ગોપાલે તેમની ઉપર જૂતું ફેંક્યું હતું. આ ઘટનાને લઈને વિધાનસભા સંકુલ જ નહીં, રાજ્યભરમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. દરમિયાન અમદાવાદ જિલ્લાના ધંધુકા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા અને અગાઉ પોલીસ કોન્સ્ટેબલ રહી ચૂકેલ ગોપાલના બંને બનાવોને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા ગોપાલને ડિસમિસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયનો ઠરાવ શનિવારે બપોર બાદ જિલ્લા કલેક્ટર ઓફિસ દ્વારા ગોપાલને પહોંચાડવામાં આવ્યો હતો. ગોપાલ હાલ પોલીસ કસ્ટડીમાં હોવાથી ત્યાં જઈને તેને હુકમની નકલ આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. બીજી તરફ આજે  ગોપાલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.  જ્યાં પોલીસે  વધુ રિમાન્ડની માંગણી ન કરતા ગોપાલે જામીન માટે અરજી કરી હતી. જે અંગેની સુનવણી આવતીકાલે રખાઈ છે. દરમિયાન કોઈ સરકારી કર્મચારી સામે એફ.આર.આઈ. થાય  કે અન્ય કોઈ ગુના કે બાબતમાં સંડોવણીની વિગતો બહાર આવે તો સરકાર દ્વારા મોટા ભાગે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. સીધા જ ડિસમિસ કરવાના કિસ્સા બહુ ઓછા બનતા હોય છે. ત્યારે આ કેસમાં પણ ગોપાલને સસ્પેન્ડ કરવાને બદલે ડિસમિસ કરી દેવાતાં કર્મચારી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં આરોપી ગોપાલ ઈટાલિયાનો ટાર્ગેટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હતા. કેમ કે, મીડિયાને બાઈટ આપવા સામાન્ય રીતે પ્રવક્તા મંત્રી તરીકે નીતિન પટેલ જ આવતાં હોય છે. પરંતુ તે સમયે નીતિન પટેલના બદલે પ્રદીપસિંહ જાડેજા આવતા તેમને ટાર્ગેટ કરાયા હતા. ગોપાલ ઈટાલિયાએ પહેલું જૂતું પ્રદીપસિંહને માર્યા બાદ બીજું જૂતું બાજુમાં ઊભેલા આત્મારામ પરમારને મારવાનો ઈરાદો  હતો પરંતુ બંને બચી ગયા હતા.