(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
ભારતીય સેના ફ્રાંસ પાસેથી ૩૦૦૦ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘મિલન ૨ટી’ ખરીદવા અંગે વિચારી રહી છે. સેનાએ આ માટે પ્રસ્તાવ પણ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવ અંગે રક્ષા મંત્રાલયની ઉચ્ચ કક્ષાની સમિતિ વિચારણા કરશે. આ મિસાઈલની ખરીદીમાં ૧ હજાર કરોડની રકમ ખર્ચ કરવામાં આવશે. દુશ્મન સેનાની ટેન્ક રેજીમેન્ટનાં મુકાબલા માટે સેકન્ડ જનરેશનની આ મિસાઈલો અસરકારક સાબિત થશે.
ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) ફ્રાંસની કંપની સાથે મળીને આ મિસાઈલોનું ભારતમાં જ નિર્માણ કરી રહી છે. જેની રેન્જ ૨ કિ.મી.થી થોડી વધુ હશે. ભારતે ઈઝરાયલ પાસેથી સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલો ખરીદવાની યોજનાને ટાળી દીધી છે. કારણ કે, આ યોજનાને હવે ભારતમાં જ વિકસિત કરવામાં આવશે. DRDA મૈન-પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઈલોની બે વખત ચકાસણી થઈ ચૂકી છે. ભારત સરકાર સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીમાં સ્વદેશી કંપનીઓને અગ્રતા આપી રહી છે. ૨૦૧૭માં અરૂણ જેટલીની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે (DAC) ઈઝરાયલ અને સ્વીડનથી મિસાઈલો ખરીદવાની જગ્યાએ ભારતમાં જ બનેલી આકાશ મિસાઈલો પર વિશ્વાસ કર્યો છે. જમીન પરથી હવામાં પ્રહાર કરતી આ મિસાઈલો પર ૧૮ કરોડનો ખર્ચ થઈ શકે છે.